વાગરા,
વાગરા પંથકમાં દિનપ્રતિદિન અકસ્માતોની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.છેલ્લા ૧ મહિનામાં અંદાજીત ૪ થી વધુ અકસ્માતની ઘટનામાં અનેકો લોકો ઈજાગ્રસ્ત થયા છે.ગતરોજ પણ વાગરાની હનુમાન ચોકડી ખાતે ઉભેલા કન્ટેનર પાછળ એક ટ્રેકટર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. બનાવના લગભગ ૧૫ કલાક બાદ આજરોજ ફરી એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં એક ઈસમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે.વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી કાળમુખા ડમ્પર ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથધરી હતી.
બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ કલરટેક્ષ કંપની તરફ જતા માર્ગ ઉપર આવેલ ચોકડી ખાતે અકસ્માત સર્જાયો હતો.જેમાં સંદીપ એન્ટરપ્રાઈઝનું એક ડમ્પર આર.ટી.ઓ રજીસ્ટ્રેશન નંબર જીજે ૧૬ એવી ૫૭૫૧ જે વિલાયત ચોકડી તરફથી જ્યુબિલિયન્ટ કંપની તરફ આવી રહ્યો હતો.તે વેળા ટર્નિંગ ઉપર એક બાઈક ચાલક પોતાની બાઈક લઈને ઉભો હતો.ડમ્પર ચાલકે બાઈકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઈક સવાર સુરત જીલ્લાના માંડવી તાલુકાના વાંકલા ગામના ૪૦ વર્ષીય ઈસમ અર્જુન ચુનીલાલ ચૌધરીનું ઘટના સ્થળેજ કરુણ મોત નિપજ્યું હતું.મરણ જનાર ઈસમ વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસી સ્થિત જ્યુબિલિયન્ટ કંપનીના એ.આર કોર્પોરેશન કોન્ટ્રાકટમાં કામ કરતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અકસ્માત સર્જી ડમ્પર ચાલક વાહન સ્થળ પરજ મૂકી ફરાર થઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવી પી.એમ અર્થે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો.તેમજ ડમ્પરનો કબ્જો મેળવી ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.