(જયશીલ પટેલ,ઝઘડિયા)
ઝઘડિયા પંથકમાં આજરોજ વહેલી સવારે ધુમ્મસ નીકળતા ચારે તરફ ધુમાડો નીકળતો હોય એવુ દ્રશ્ય સર્જાયુ હતું.ભરૂચ જીલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસ જોવા મળ્યુ.ચારે તરફ ફેલાયેલા ધુમ્મસને લીધે સામેનું કશુ દેખાતુ ન હતુ,તેને લઈને નેશનલ હાઈવે ઉપરાંત અંકલેશ્વર રાજપીપલા વચ્ચેના ધોરીમાર્ગ પર આવતા જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.ગાઢ ધુમ્મસને લઇને છેક નજીક આવે તોજ સામેનું દેખાતું હોવાથી વાહન ચાલકો ગુંચવાયા હતા.ધુમ્મસને કારણે રોડ પર આવતા જતા વાહનો ટકરાવાની દહેશત પણ રહેલી છે.ગાઢ ધુમ્મસ હોય ઓછી વિઝીબીલીટીના કારણે વાહન ચાલકોને ભારે સમસ્યા સર્જાઈ હતી.આજે વહેલી સવારે નીકળેલ ધુમ્મસની અસર છેક દસ વાગ્યા સુધી રહી હતી.કમોસમી વરસાદ બાદ આજે વાતાવરણમાં ધુમ્મસ ફેલાતા ફરી એકવાર જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ હતું.જોકે મોડેથી ધુમ્મસની અસર નહિવત બનતા લોકો પોતાના રોજિંદા કામો તરફ વળ્યા હતા.ધુમ્મસના કારણે ખેતીના અમુક પાકને ફાયદો જ્યારે અમુકને થોડા ઘણા અંશે નુકશાન થતુ હોવાની વાત ખેડૂત આલમમાંથી જાણવા મળી હતી.ભરૂચ જીલ્લા સહિત મધ્ય ગુજરાતના અન્ય વિસ્તારો પણ આજે ધુમ્મસની લપેટમાં આવી ગયા હતા.આમ વહેલી સવારે નીકળેલ ધુમ્મસને લઇને સ્વાભાવિક જ તેની અસર જનજીવન પર જોવા મળી હતી.
ઝઘડિયા પંથકમાં વહેલી સવારે છવાયેલા ધુમ્મસથી જનજીવનને અસર
- વહેલી સવારે ધુમ્મસ નીકળ્યા બાદ મોડે સુધી તેની અસર જોવા મળી - ગાઢ ધુમ્મસ હોય ઓછી વિઝીબીલીટીના કારણે વાહનચાલકોને ભારે સમસ્યા સર્જાઈ હતી