વાગરા,
વાગરા તાલુકામાં આવેલ સાયખા GIDC ની અલગ-અલગ કુલ ૬ કંપની વિરુદ્ધ વાગરા પોલીસ ચોપડે જાહેરનામા ભંગનો ગુનો નોંધાતા ઉદ્યોગ જગતમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.ઔદ્યોગિક હબ ગણાતા સાયખા GIDCમાં અનેક કંપનીઓ આકાર પામી છે. કંપનીઓમાં સેંકડો પરપ્રાંતીય કામદારો કામ કરી રહ્યા છે.ત્યારે કેટલીક વાર ચોરી, ધાડ,લૂંટ સહિતના અનેક બનાવો ભૂતકાળમાં બનેલ હોઈ જેની ગંભીરતા દાખવી ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કંપનીમાં CCTV કેમેરા લગાવવા,કોન્ટ્રાકટ અથવા કંપનીમાં કામ કરતા પરપ્રાંતીય કામદારોની સ્થાનિક પોલીસ મથકમાં નોંધણી કરાવવા સહિતના કેટલાક નિયંત્રણો જારી કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું.ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાની અમલવારી કરાવવા વાગરા પોલીસ સ્ટાફના માણસો સાયખા GIDC વિસ્તારમાં એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી અંગે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે દરમ્યાન ૦૬ કંપનીઓમાં CCTV ન લગાવવા બદલ પોલીસે જાહેરનામા ભાંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી અને ૬ કંપનીઓના બેજવાબદાર સંચાલકોના વાગરા પોલીસે કાન આમળી પોલીસ મથકે હાજર રહેવા સૂચના આપતા કંપની આલમમાં હડકંપ મચી જવા પામ્યો હતો.
સાયખા GIDC માં આવેલ એસન્ટ બાયો પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ઓફિસ બિલ્ડીંગમાં જઈ ચેક કરતા કંપનીના મેનેજર તરીકેની ઓળખ આપનાર નિખિલ ગોવિંદભાઈ પટેલ જેઓને સાથે રાખી કંપની સંકુલ સહિત આજુબાજુમાં ચેક કરતા કોઈ પણ જગ્યાએ CCTV કેમેરા લગાવેલ ન હોવાનું માલુમ પડતા પોલીસે ઈપીકો કલમ ૧૮૮ હેઠળ ગુનો નોંધી એસન્ટ બાયો પ્રાઈવેટ લિમિટેડ કંપનીના મેનેજર નિખિલ ગોવિંદભાઈ પટેલનાઓને વાગરા પોલીસ મથકે હાજર રહેવા સૂચના આપી હતી.તો લુના કેમિકલ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ વિરુદ્ધ પણ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.GIDC વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે લુના કેમિકલ કંપનીમાં આકસ્મિક ચેકીંગ હાથધર્યું હતું. જ્યાં હાજર કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ મોહમ્મદ શાહિદ ભાટીનાઓને સાથે રાખી પોલીસે ચેકીંગ હાથધર્યું હતું.જેમાં કંપની સહિત આજુબાજુમાં પણ કોઈ જગ્યાએ CCTV કેમેરા લગાવેલ ન હોવાનું ધ્યાને આવતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લુના કેમિકલ કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ મોહમ્મદ શાહિદ ભાટીનાઓને વાગરા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા સૂચના આપી હતી.
નિયમોને નેવે મુકનાર સાયખા GIDC નીજ અન્ય એક કંપની વિરુદ્ધ પણ જાહેરનામા ભંગની ત્રીજી ફરિયાદ વાગરા પોલીસ ચોપડે નોંધાઈ હતી.પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સાયખા GIDC માં આવેલ કલરબેન્ડ ડાઈસ્ટ્રોક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં ચેકીંગ કર્યું હતું.જ્યાં કોઈ પણ જગ્યાએ CCTV લાગેલ ન હોવાનું ધ્યાને આવતા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. તેમજ કલરબેન્ડ ડાઈસ્ટ્રોક પ્રાઈવેટ લિમિટેડ કંપનીના મેનેજર અમિતભાઈ રતનપુરાનાઓને પણ વાગરા પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા સૂચના આપી હતી.
પોલીસે આ સહિત ચોથી ફરિયાદ પણ જાહેરનામા ભંગની નોંધી હતી.જેમાં સાયખા GIDCની એરોન કેમ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ચેકીંગ દરમ્યાન કંપની તેમજ કંપનીની આસપાસ CCTV કેમેરા લગાવેલ ન હોવાનું જણાયું હતું.કલેકટરના જાહેરનામાંના સરેઆમ ધજાગરા ઉડાડનાર એરોન કેમ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના માલિક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા સૂચના આપી હતી.
ભરૂચ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાની અમલવારી કરાવવા વાગરા પોલીસ સ્ટાફના માણસો સાયખા GIDC વિસ્તારમાં એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી અંગે ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે દરમ્યાન સાયખા GIDCમાં આવેલ પેથોલો સાયન્સ નામની ખાનગી કંપનીમાં પોલીસે ચેકીંગ કર્યું હતું. જ્યાં હાજર મળી આવેલ કર્મચારી જેન્તી હરજી પટેલનાઓને સાથે રાખી પોલીસે ચેકીંગ હાથધર્યું હતું. જ્યાં કોઈ પણ જગ્યાએ CCTV લાગેલ જણાયા ન હતા.હાજર કર્મચારીને કંપનીના માલિક વિશે પૂછતાં તેઓ કામ અર્થે બહાર ગયેલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે પેથોલો સાયન્સ કંપનીના માલિક બાબુભાઈ મહાદેવ દેસાઈ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથધરી હતી.
સાયખા GIDC ની ઉપરોક્ત પાંચ કંપનીઓની જેમ ઈન્ફોનેટિવ કેમિકલ્સ કંપનીએ પણ નિયમોને નેવે મુકતા કાર્યવાહી કરાઈ છે. પેટ્રોલિંગ દરમ્યાન પોલીસે ચેક કરતા ઇન્ફોનેટિવ કેમિકલ્સ કંપનીમાં CCTV કેમરા લગાવેલ ન હોવાનું ધ્યાને આવતા કંપનીના માલિક કલ્યાણભાઈ અરજણભાઈ લાખાણી વિરુદ્ધ વાગરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
નોંધનીય છે કે CCTV કેમેરા લગાવવાથી કંપનીની સુરક્ષામાં વધારો થાય છે.તેમજ કોઈ ઘટના બને અથવા તો ચોરી થાય તેવા સમયે પોલીસ તપાસ માટે પણ CCTV મહત્વની ભૂમિકામાં હોઈ છે.સુરક્ષાના ભાગરૂપેજ વહીવટી તંત્ર દ્વારા CCTV કેમેરા લગાવવા ફરજીયાત કરવામાં આવ્યા છે. તેમ છતાંય કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો આમ કરવામાં ઢીલાશ દાખવતા હોઈ છે.કારણ કે કેટલા બેફામ ઉદ્યોગકારો સહિત કંપનીમાં કરતા મોટા ખિસ્સાના કર્મચારીઓ કંપનીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે.તો કેટલીક કંપનીઓમાં કંપનીનાજ મોટા માથાઓ સાથે મળી કેમિકલ તેમજ સ્ક્રેપ સહિતના માલ-સામાનની ચોરી કરતા હોઈ છે. થોડા સમય પહેલાજ ગ્રાસીમ કંપનીના મળતીયાઓએ સાથે મળી કરોડોનું સ્ક્રેપ કૌભાંડ આચર્યું હોવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવ્યો હતો.આવીજ અનેક ગેરરીતિઓને અંજામ આપવાના હેતુસર પણ કેટલીક કંપનીઓમાં CCTV ન લગાવતા હોવાની ચર્ચાઓ પંથકના જાગૃત નાગરિકોમાંથી ઉઠવા પામી છે.તદુપરાંત ૧૫ દિવસ અગાઉ પણ સાયખા GIDC ની ૩ કંપનીઓ વિરુદ્ધ વાગરા પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો.તેવામાં વધુ ૬ કંપનીઓએ નિયમોના ધજાગરા ઉદાડયા છે.ત્યારે પોલીસ આવા બેજવાબદાર અને લાપરવાહ ઉધોગકારો સામે કડક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બન્યું છે.