ભરૂચ,
ભરૂચ જીલ્લા માંથી પસાર થતા દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનાર અસરગ્રસ્ત ખેડૂતોએ વળતરમાં થયેલ અન્યાય બાબતે ૩૦ થી વધુ ગામના અસરગ્રસ્ત ખેડુતોએ મહિના પહેલા પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખી પોતાની વેદના વ્યક્ત કરી ભાવ વધારાની માંગ કરી હતી.તેમ છતાં કોઈ નિરાકરણ નહિ આવતા આજરોજ સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરી ખાતે આવી પહોંચી તેઓના ઓરીજનલ ચૂંટણી કાર્ડ પરત કરી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી – મુંબઈ એકસપ્રેસ વે બનાવવામાં આવી રહ્યો છે.જે માટે સરકાર દ્વારા જમીન સંપાદન કરવામાં આવી હતી.એકસપ્રેસ વે,ભાડભૂત બેરેજ અને બુલેટ ટ્રેનની કામગીરી માટે ભરૂચ જીલ્લાના ખેડૂતોની જમીનોનો પણ સમાવેશ થાય છે.જીલ્લાના ખેડૂતોની અંદાજીત ૧૫૦૦ થી ૧૬૦૦ એકર જમીન એકસપ્રેસ વે,ભાડભૂત બરેજ અને બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સંપાદન થઈ છે.ત્રણેય સરકારી પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર નહિ આપવામાં આવતા છેલ્લા ૨૦૧૫ થી ખેડુતો વધુ વળતર અને અન્ય જીલ્લામાં ચૂકવાય વળતરને લઈને લડત ચલાવી રહ્યા છે.તો બીજી તરફ ભરૂચ જીલ્લા માંથી પસાર થતા ત્રણેય પ્રોજેકટ એકસપ્રેસ વે અને બુલેટ ટ્રેનની મોટા ભાગની કામગીરી પૂર્ણ થવાના આરે છે.તેમ છતાં ભરૂચ જીલ્લાના આમોદ,વાગરા,ભરૂચ અને અંકલેશ્વરના ૨૫ થી વધુ ગામોના ખેડુતોને જમીનનો યોગ્ય ભાવ નહિ મળતા વારંવાર સ્થાનિક તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી રજુઆત અને આંદોલન કરવામાં આવ્યા હતા તેમ છતાં કોઈ યોગ્ય નિર્ણય નહિ આવતા આખરે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડુતો ભેગા થઈ પ્રધાનમંત્રીને અંદાજીત ૮ થી ૧૦ હજાર પોસ્ટકાર્ડ લખી તેઓ સાથે વળતર માં થયેલ અન્યાય બાબતની વેદના લખી તેઓને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી હતી.તેમ છતાં તેઓનું કોઈ નિરાકરણ નહિ આવતા મોટી સંખ્યામાં અસર ગ્રસ્ત ખેડૂતો સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરી ખાતે આવી પહોંચતા કલેકટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી અને મેન ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.તેમ છતાં ખેડૂતો સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરીમાં પ્રવેશી વિરોધ નોંધાવી આવેદનપત્ર પાઠવી ચૂંટણી કાર્ડ પરત આપી પોતાની રજૂઆત કરવા સાથે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
અંકલેશ્વર તાલુકાના પિલુદ્રા ગામના અસરગ્રસ્ત ખેડૂત જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે અમે ૩૨ ગામના ખેડૂતો તેમજ ભાડભૂત બેરેજ અને બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જે અસરગ્રસ્ત ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી છે તેમાં એટલી મોટી વિસંગતા જોવા મળી રહી છે કે સુરત જીલ્લાના માંગરોળ તાલુકામાં ત્યાંના કલેકટર દ્વારા ૧૭૦૦ રૂપિયાનો એવોર્ડ જાહેર કરવામાં આવતો હોય અને ભરૂચ જીલ્લામાં ૧૦,૨૦ અને ૩૦ રૂપિયાનો વધારો કરી ખેડૂતો સાથે જો અન્યાય થતો હોય જે માટે અમે આજરોજ મોટી સંખ્યામાં ભેગા થઈ ચુંટણીનો તમામ બહિષ્કાર કરીશું અને અમારો ઓરીજનલ ચુંટણી કાર્ડ છે તે જમા કરાવી દઈશું.ન્યાય તંત્રમાં પ્રજા સર્વોપરી છે તેમ છતાં અમારો અવાજ સરકાર સુધી નથી પહોંચી રહ્યો અથવા તો આવી ઉણપ કેમ રહી ગઈ જેથી અમો હવે ચુંટણીથી અળગા રહીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
જોકે દોઢ મહિના પહેલા જ અસરગ્રસ્ત ખેડૂતોએ સહિત પરિવાર ભેગા થઈ સાત હજારથી વધુ પોસ્ટર કાર્ડ લખી તેઓ સાથે વળતર ચૂકવવામાં અન્યાય થયો હોવાની વેદના રજૂ કરી હતી.તેમ છતાં હજુ સુધી કોઈને તેનો જવાબ નહીં મળતા આજરોજ પુનઃ આંદોલન નું હથિયાર ઉગામી આવનારી લોકસભા ની ચૂંટણી નો બહિષ્કાર કરવા ૩૨ ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ ૨૦૦૦ થી વધુ ઓરીજનલ ચૂંટણી કાર્ડ જમા કરાવી દીધા છે. ત્યારે ભરૂચ નું વહીવટી તંત્ર અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય ક્યારે અપાવે છે તે જોવું રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લાના ૩૨ ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના ચુંટણી કાર્ડ જમા કરાવી દીધા બાદ પણ વળતર મુદ્દે યોગ્ય નિરાકરણ નહીં આવે તો શું આ અસરગ્રસ્ત ખેડૂતો મતદાન થી અળગા સહી લોકસભાની ચુંટણી નો બહિષ્કાર કરશે તે તેઓ આવનાર દિવસોમાં જ ખબર પડશે.
સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વળતરની રકમથી નારાજ ભરૂચ જીલ્લાના ખેડૂતોએ ચૂંટણી કાર્ડ જમા કરાવ્યા
- જીલ્લા માંથી પસાર થતા દિલ્હી - મુંબઈ એકસપ્રેસ વે માં જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર નહિ ચૂકવાતા આંદોલનના માર્ગે - મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડુતો સૂત્રોચ્ચાર સાથે કલેકટર કચેરી ખાતે આવી પહોંચતા કલેકટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ - ૩૨ ગામના લોકોએ ઓરીજનલ ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી - અન્ય જીલ્લાને ચૂકવેલ વળતર કરતા ભરૂચ જીલ્લાના ખેડૂતોને યોગ્ય વળતર નહિ ચૂકવાતા છેલ્લા ઘણા સમયથી ચલાવી રહ્યા છે લડત - ૪૦ દિવસ અગાઉ ખેડુતો અને પરિવાર દ્વારા પીએમને પોસ્ટ કાર્ડ લખી પોતાને અન્યાય થયો હોવાનું જણાવ્યું હતું