(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ઘરની પાછળના વાંસ કાપવાની વાતે બે પાડોશી વચ્ચેના ઝઘડામાં વાત મારામારી સુધી પહોંચતા સામસામે પોલીસ ફરિયાદ થતાં કુલ પાંચ ઈસમો સામે ગુનો નોંધાયો હતો.રાણીપુરાના જોગી ફળિયામાં રહેતા મુકેશભાઈ મોહનભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તા.૨૪ મીના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં તેમના ઘરની પાછળ છાપરા ઉપર વાંસ સાથે સાપ દેખાતા તેમણે તેમના ઘરની બાજુમાં રહેતા રવિનાબેન અને તેમના પતિ સાગરભાઈને કહેલ કે આ જુઓ તમે વાંસ રોપેલ છે તેમાં વારેઘડિયે સાપ આવ્યા કરે છે.અમારા ઘરની પાછળ વાંસ નમેલો છે તેને કાપી નાંખો.ત્યાર બાદ આ બાબતે બોલાચાલી થતાં રવિનાબેનના ઘર માંથી તેમના પિતા રવિયાભાઈ જગમાલભાઈ વસાવા હાથમાં ધારિયું લઈને તેમજ સાગરભાઈ હાથમાં કુહાડી લઈને આવ્યા હતા અને જગમાલભાઈ ગંભીરભાઈ વસાવા પણ ઘરની બહાર નીકળ્યા હતા.આ ત્રણેય જણા મુકેશભાઈની નજીક ધસી આવ્યા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.આ ઝઘડા દરમ્યાન મુકેશભાઈને ઢિકાપાટુનો માર મારવા ઉપરાંત તેમને કુહાડીની મુદર તેમજ ધારિયું વાગી જતા તે ઈજાગ્રસ્ત થયા હતા.ઉપરાંત તેમના પિતા મોહનભાઈ તેમને છોડાવવા વચ્ચે પડતા તેમને પણ ધારિયાથી ઈજા થઈ હતી.તેમજ મુકેશભાઈની છોકરી જયાને પણ ઝપાઝપીમાં ઈજા થઈ હતી.ઈજાગ્રસ્તોને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા.મુકેશભાઈને ડાબા હાથે કાંડા પાસે ફેકચર થયું હોઈ તેમને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.ઝઘડિયા પોલીસે મુકેશભાઈ વસાવા રહે.રાણીપુરા તા.ઝઘડિયાનાની ફરિયાદ મુજબ રવિયાભાઈ જગમાલભાઈ વસાવા, જગમાલભાઈ ગંભીરભાઈ વસાવા તેમજ સાગરભાઈ વસાવા ત્રણેય રહે.ગામ રાણીપુરા જોગી ફળિયું તા.ઝઘડિયાના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.જ્યારે સામા પક્ષે જગમાલભાઈ ગંભીરભાઈ વસાવા રહે.જોગી ફળિયું રાણીપુરા તા.ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ મુજબ તા.૨૪ મીના રોજ તેમના ઘરની બાજુમાં રહેતા મુકેશ મોહનભાઈ વસાવા સાથે ઘરની પાછળનો વાંસ કાપવાની બાબતે થયેલ ઝઘડા દરમ્યાન મુકેશભાઈએ જગમાલભાઈની પૌત્રી રવિનાને તેમજ તેમને ગાળો દીધી હતી.ત્યાર બાદ મુકેશભાઈ હાથમાં વાંસનો ડંડો લઈને દોડી આવેલ અને રવિનાને મારવા જતા હતા ત્યારે જગમાલભાઈએ હાથ આગળ કરી દેતા વાંસનો ડંડો તેમને ડાબા હાથે વાગી ગયેલ હતો.આ ઝઘડા દરમ્યાન મુકેશભાઈનું ઉપરાણું લઈને તેમનો છોકરો રાજભાઈ હાથમાં ધારિયું લઈને દોડી આવ્યો હતો અને મુકેશભાઈએ તેની પાસેથી ધારિયું માંગી લઈને જગમાલભાઈના છોકરા રવિયાભાઈને માથાના ભાગે મારી દીધું હતું.ઉપરાંત આ ઝઘડા દરમ્યાન રવિનાબેનને પણ ઈજા થઈ હતી.ઈજાગ્રસ્તોને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયા હતા.ત્યાર બાદ જગમાલભાઈને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.આ બાબતે જગમાલભાઈ વસાવા રહે.જોગી ફળિયું રાણીપુરા તા.ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસમાં મુકેશ મોહનભાઈ વસાવા તેમજ રાજભાઈ મુકેશભાઈ વસાવા બન્ને રહે.જોગી ફળિયું રાણીપુરા તા.ઝઘડિયાના વિરૂધ્ધ ફરિયાદ લખાવી હતી.