ભરૂચ,
ભરૂચના માલીવાડ વિસ્તારમાં આવેલા એક મકાનમાં બપોરના સમયે એકાએક આગ લાગતા દોડધામ મચી હતી.આગની જાણ ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા બે ફાયર ટેન્ડર લશ્કરો સાથે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.જોકે આગમાં મકાનમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના માલીવાડમાં સુજનીવાલા પરિવારના મકાનો આવેલા છે.જેમાં આજરોજ બપોરના ઝાકીર હુસેન સુજનીવાલા પોતાનું મકાન બંધ કરીને ધાર્મીક વિધિમાં પરિવાર સાથે ગયા હતા.આ સમય દરમ્યાન તેમના મકાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં આસપાસ રહેતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી.મકાનમાં લાગેલી આગ ઘરમાં રહેલા સામાનમાં પકડી લેતા આગના કાળા ભમ્મર ધૂમડાઓ આકાશમાં દેખાતા પરીવારજનોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણ કરી હતી.આગની ઘટનાની જાણ થતાં જ ભરૂચ પાલિકાના ફાયર અધિકારી ચિરાગ ગઢવી સહિત બે ફાયર ટેન્ડરો તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ ઓલવવાની કામગીરીમાં લાગી ગયા હતા.આગ લાગેલી જગ્યા એટલી સાંકડી હતી કે ફાયર બ્રિગેડના લાશ્કરોએ એકાદ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે આગમાં ઘર વખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ જતાં મકાન માલિકને ભારે નુકશાન વેઠવું પડ્યું હતું.