(સંજય પટેલ,જંબુસર)
જંબુસરના શિવ શક્તિ ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભવ્ય શિવજી કી સવારી ગણેશ ચોક, આશાપુરી માતા મંદિરથી અગ્રણીઓ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું.મોટી સંખ્યામાં શિવભક્ત ભાઈ – બહેનો હાજર રહ્યા હતા.
હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રી પર્વનું ખાસ મહત્વ છે. આજના દિવસે શિવાલયો હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા હતા.ભાવિક ભક્તો વહેલી સવારથી ભોળાનાથના દર્શન,પૂજન,અભિષેક માટે શિવાલય ખાતે પહોંચી ઓમ નમઃ શિવાય મંત્ર જાપથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.જંબુસર શિવ શક્તિ ફાઉન્ડેશન દ્વારા સૌ પ્રથમ વખત શિવજી કી સવારીનું ભવ્ય આયોજન કરાયું હતું.શિવજી કી સવારી હોય શિવ ભજન કીર્તનમાં ભક્તો લીન બની ગણેશ ચોક આશાપુરી માતા મંદિરે એકત્ર થઈ ઝુમી ઊઠ્યા હતા.બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોકત મંત્રોચ્ચાર થકી પૂજા,અર્ચના કરવામાં આવી અને જંબુસર કાછિયા પટેલ સમાજના અગ્રણી સંજયભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ,ધર્મેશભાઈ પટેલ,નગર અગ્રણીઓ મનન પટેલ,જીગર પટેલ, યોગેશ પુરાણી સહિત ઉપસ્થિત રહી શિવજી કી સવારીને પ્રસ્થાન કરાવ્યું હતું.શિવજી કી સવારીમાં ડીજેના તાલે,ઢોલ ત્રાસાના સથવારે યુવા ભાઈ બહેનો ભક્તિના રંગે રંગાયા હતા. શિવજી કી સવારી જંબુસર નગરના ઉપલીવાટ, કોટબારણા,મુખ્ય બજાર, સોની ચકલા, લીલોતરી બજાર, થઈ જોગનાથ મંદિર ખાતે પહોંચશે, જ્યાં ભવ્ય મહા આરતી અને મહાપ્રસાદ નું આયોજન કરાયું છે.આ પ્રસંગે શિવ શક્તિ ફાઉન્ડેશન હોદ્દેદારો રિતેશ પટેલ,ભાવિક પટેલ,રિષભ ગાંધી સહિત ભાઈ – બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.