અંક્લેશ્વર,
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સારંગપુરની મારુતિધામ-૨ સોસાયટી માંથી દેશી તમંચો તથા એક જીવતા કારતુસ સાથે પરપ્રાંતીય ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા/શોધી કાઢવા તેમજ ગેરકાયદેસર હથિયારો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાના માર્ગદર્શન મુજબ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એન.સગરની આગેવાની હેઠળ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન ચોક્કસ બાતમી મળી હતી કે સારંગપુરની મારુતિધામ-૨ સોસાયટીના પ્લોટ નં.૧૮૩ ના રૂમ નં. ૧ માં રહેતા ગૌરવકુમાર સુરેશ મંડલ નામના ઈસમે પોતાના ઘરમાં જીવતા કારતુસ સાથે દેશી હાથ બનાવટનો તમંચો પોતાના અંગત અદાવતના કારણે સંતાડીને રાખ્યો છે.જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા રૂમમાં અભરાઈ ઉપર પરચુરણ સામાનની પાછળ સંતાડેલ લાલ કલરના ગમછામાં વીંટાળેલ દેશી હાથ બનાવટનો તમંચો, જે જોતા લોડેડ હાલતમાં હોય અને તેનું બેરલ ખોલતા ચેમ્બરમાં એક જીવતો કારતુસ હોય જેને સહી સલામત બહાર કાઢી દેશી હાથ બનાવટનો એક તમંચો જેની કિંમત રૂ.૧૦ હજાર અને ૧૦૦ રૂપિયાનો એક જીવતો કારતુસ મળી આવ્યો હતો.આ સાથે જ ગૌરવ મંડલની અંગઝડતી માંથી મોબાઈલ અને આધાર કાર્ડ મળી કુલ ૧૫,૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અંકલેશ્વર GIDC પોલીસે મૂળ બિહારના ભાગલપુરના કમરગંજના રહેવાસી પરપ્રાંતીય ઈસમ ગૌરવકુમાર મંડલની ધી આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.