વાગરા,
વાગરા તાલુકાના ખોજબલ ગામમાં વન્ય પ્રાણી નીલ ગાયનો શિકાર કરી માંસ કટીંગ કરાઈ રહેલ સ્થળ ઉપરજ વાગરા વન વિભાગની ટીમે દરોડા પાડી નીલ ગાયનું માંસ જપ્ત કર્યું હતું.જોકે શિકારીઓ સ્થળ છોડી નાસી છુટવામાં સફળ રહ્યા હતા.વન વિભાગની ટીમે સ્થળ ઉપરથી ૪ થેલા ભરેલ વન્ય પ્રાણીનું માંસ તેમજ બે મોટર સાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.જોકે આજરોજ બે આરોપીઓ વનવિભાગની કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબુલાત કરતા વનવિભાગે આરોપીઓને રૂપિયા એક લાખનો દંડ ફટકારી વધુ કાર્યવાહી હાથધરી હતી.
વાગરા વનવિભાગની કચેરી ખાતેથી મળતી વિગતો અનુસાર નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ, ભરૂચના ઉર્વશીબેન આઈ.પ્રજાપતિનાઓના માર્ગદર્શન અને સૂચના હેઠળ વાગરા રેંજ ફોરેસ્ટ ઓફિસર વી.વી ચારણ સ્ટાફ સાથે ગત તારીખ ૨૦/૦૧/૨૦૨૪ નઆ રોજ રાત્રીના સમયે વાગરા તાલુકાના ખોજબલ ગામની સીમમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.તે દરમ્યાન વાગરા તાલુકાના ખોજબલ ગામે ગૌચરની જગ્યા ઉપર કેટલાક ઈસમો વન્ય પ્રાણીનો શિકાર કરી મરણ નિપજાવી માંસ કટીંગ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે વન કર્મીઓએ સ્થળ ઉપર દરોડો પાડતા વન્ય પ્રાણીનું કટીંગ કરી રહેલા શિકારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.ટીમે સ્થળ પરથી માંસ, માંસ કટિંગ કરવાના સાધનો સહિત બે મોટરસાયકલ જેમાં હીરો કંપનીની સ્પ્લેનડર બાઈક જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે ૧૬ સીક્યુ ૯૦૨૩ તેમજ હીરો કંપનીની પેશન જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે ૧૬ બીએફ ૩૨૧૨ જે બંને મોટર સાયકલ પણ જપ્ત કરી માંસનાં નમૂના લઈ એફએસએલ માટે મોકલવાની કવાયત હાથધરી હતી.વનવિભાગે વન્ય પ્રાણી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી શિકાર કરી ફરાર થઇ ગયેલ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આજરોજ તારીખ ૨૨/૦૧/૨૦૨૪ ના રોજ બે આરોપીઓ નામે વિજયભાઈ ગણપતભાઈ વસાવા ઉં.વ ૪૬ રહે.ખોજબલ તેમજ મુબારક યાકુબ પટેલ ઉં.વ ૪૬ રહે.ખોજબલ જેઓ ભયભીત થઈ રેંજ કચેરી ખાતે હાજર થઈ ગુનાની કબુલાત કરી હતી. જે અંતર્ગત વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમની કલમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેંજ કચેરી વાગરાએ રૂપિયા એક લાખના દંડની વસુલાત કરી હતી. તેમજ અંદાજીત રૂપિયા ૯૨,૦૨૫ નો મુદ્દામાલ જપ્ત કરી નીલ ગાયના શિકારમાં અન્ય કોણ-કોણ સંકળાયેલ છે.? તે દિશામાં વધુ તપાસ વાગરા રેંજ ફોરેસ્ટ ઓફિસર વી.વી ચારણનાઓ ચલાવી રહ્યા છે.