(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકા પંચાયત કચેરી સભાખંડમાં પ્રમુખ નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી,તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ,તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ,મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, પ્રમોદભાઈ રાઠોડ,સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ બળવંતભાઈ રાઠોડ,કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા.
સામાન્ય સભામાં કુલ ૨૨ સદસ્ય પૈકી ૧૮ સદસ્યો હાજર રહ્યા હતા.સદર સામાન્ય સભામાં ૧૧ કામો એજન્ડા પર હતા.તે પૈકી તાલુકા વિકાસ અધિકારીનો ક્વાર્ટર્સ બનાવવા અંગે, સ્ટાફ ક્વાર્ટર્સ ની જગ્યા બાબતે ,૧૫ માં નાણાપંચના ૨૦૨૦ થી ૨૦૨૩ ના વર્ષના ના થઈ શકે તેવા કામોમાં ફેરફાર કરવા બાબત તથા સને ૨૦૨૪-૨૫ ના ટીપીડીપી તાલુકા કક્ષાના આયોજન બાબત તથા તાલુકા પંચાયત વિસ્તારમાં લેવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ૧૫ ટકાનો વધારો કરવા બાબતના કામો હાથ ધરાયા હતા.આ સહિત અધ્યક્ષ સ્થાનેથી ગ્રામ પંચાયત દ્વારા જે કરવેરા વસુલાત કરવામાં આવે છે,તે પૈકી કલમ ૨૦૦ પ્રમાણે લેવા પાત્ર કરવાથી ૧૫ ટકા કર તાલુકા પંચાયતમાં જમા કરાવવાની થતી હોય તે બાબતે ચર્ચા કરી આગામી ૨૦૨૪ થી જમા કરાવવા સૂચન કરાયું હતું.તથા નરેગામાં તાલુકાના કેટલાક ગામોમાં કામો મંજૂર થયા છે, તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.આ સહિત જંબુસર પંથકમાં કુલ ૨૧૯ આંગણવાડી કેન્દ્ર જેમાં ઘટક એક અને બે માં મળી કુલ ૭૨ આંગણવાડી કેન્દ્રો છે,બાળકોને અન્ય જગ્યાએ બેસી અભ્યાસ કરવો પડે છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.