(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના નેત્રંગની યુવતીએ સુરત ખાતે રહેતા તેના પતિ સહિત કુલ ચાર સાસરીયા વિરૂધ્ધ નેત્રંગ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
આ અંગે નેત્રંગ પોલીસ માંથી મળતી વિગતો મુજબ નેત્રંગ ખાતે રહેતા રાજેન્દ્રભાઈ ગોહિલની દિકરી દિવ્યાબેનના લગ્ન તા.૪ થી મે ૨૦૨૩ નારોજ સુરતના ઉધના દરવાજા ખટોદરા ખાતે રહેતા વિશાલ ગોહિલ નામના યુવક સાથે થયા હતા.લગ્ન બાદ શરુઆતમાં દિવ્યાને તેના સાસરીયા સારી રીતે રાખતા હતા.પરંતું ત્યારબાદ તેનું કોઈ ધ્યાન રાખતા નહતા તેમજ તેના પતિ પણ પતિ તરીકેની ફરજ નિભાવતા ન હતા.તેમજ પતિ તેની માતાનું ઉપરાણું લઈને દિવ્યાને ગાળો બોલતા હતા.તેના પતિ અવારનવાર તેની સાથે ઝઘડા કરતા હતા અને તેની સાસુ તેના પર શંકા કરતા હતા. આ લોકો દિવ્યાને તેના પિયરમાં જવાની પણ ના પાડતા હતા.દિવ્યા લગ્ન પહેલા અભ્યાસ કરતી હતી અને તેના પતિ તેમજ સાસુ સસરાએ જણાવેલ હતું કે તે લોકો દિવ્યાનો કોલેજનો અભ્યાસ પુરો કરાવશે.પરંતું ત્યાર બાદ તેઓ દિવ્યાને અભ્યાસ માટે પુરતો સમય આપતા ન હતા.ઉપરાંત દિવ્યાના પતિએ તેમના અભ્યાસના ખોટા બાયોડેટા દર્શાવી છેતરપિંડી કરી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. ઉપરાંત સાસરીની નજીકમાં જ રહેતી દિવ્યાની નણંદ પણ વારંવાર તેના ઘરે આવીને ખોટી ખોટી વાતો કરીને ચઢામણી કરતી હતી.ઘરના લોકો ભેગા મળીને કહેતા હતા કે તું ખાલી હાથે આવી છે,એમ કહીને માનસિક રીતે હેરાન કરતા હતા અને આ લોકો દ્વારા ધમકી પણ આપવામાં આવતી હતી.
આ લોકોએ દિવ્યા પાસેથી તેનો મોબાઈલ લઈ લીધો હતો અને તેના પિતાને ફોન કરવા દેતા નહતા. ત્યારબાદ દિવ્યા તેના પિતાના ઘરે નેત્રંગ ખાતે રહેતી હતી. આમ દિવ્યાના પતિએ તેણીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હોઈ તેના સાસુ સસરા તેમજ નણંદે તેના પતિને સાથ આપ્યો હતો.દિવ્યાને તેના પતિ સાથે સંસાર ચાલુ રાખવો હતો પરંતું તેમાં સફળતા નહિ મળતા દિવ્યાએ પતિ સહિત સદર ચાર વ્યક્તિઓ વિશાલ મહેન્દ્રભાઈ ગોહિલ,મીનાબેન મહેન્દ્રભાઈ ગોહિલ,મહેન્દ્રભાઈ મુળજીભાઈ ગોહિલ તેમજ હિરલબેન કિશનભાઈ ગોહિલ તમામ રહે.ઉધના દરવાજા ખટોદરા સુરતના વિરૂધ્ધ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.