(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાની ફલક ચંદ્રકાંત વસાવા ગુજરાતની સૌથી નાની વયની રાજપીપલાની ગોલ્ડન ગર્લ છે. કહેવાય છે ને “મોરના ઈંડા ચીતરવા ન પડે”. ફલકના માતા-પિતાને પણ રમતમાં રૂચિ છે,જેના પરિણામ સ્વરૂપે માતા-પિતાના સંસ્કાર, ગુણો સહિત રમત પ્રત્યેની રૂચિ પણ ફલકને આપોઆપ મળી છે તેને કેળવવાની જરૂર ના પડી.
રાજપીપલાની વાત્સલ્ય વિદ્યાલયમાં ધો. ૭ માં અભ્યાસ કરતી ફલકે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, હું બાળપણથી જ ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સાથે સંકળાયેલી છું. ઈન્ડિવિડ્યુઅલ વુમન ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક અં.૧૪ એજ ગૃપમાં મેં છેલ્લા બે વર્ષમાં રાજ્યકક્ષાએ બે ગોલ્ડ મેડલ જીતી છું. રાષ્ટ્રીય કક્ષાની ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક સ્પર્ધામાં ગત વર્ષે સિલ્વર અને આ વર્ષે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ઉપરાંત વર્ષ ૨૦૨૩ માં ડોમ્બિવલી ખાતે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ચોથા ક્રમે મારી પસંદગી થઈ હતી.
કેરેલાના કોઝીકોડ ખાતે ફેબ્રુઆરી ૨૦૨૪ માં યોજાયેલી ટ્રેમ્પોલિન જીમ્નાસ્ટિક રાષ્ટ્રીયકક્ષાની ઓપન ચેમ્પિયન શીપમાં પણ ફલકે ગોલ્ડ મેડલ જીત્યો હતો.ફલક ચંદ્રકાંત વસાવાએ માત્ર રમતમાં જ નહીં પરંતુ અભ્યાસમાં પણ સક્રીય છે.ફલકે જણાવ્યું કે, હું સવારે ૨ કલાક અને સાંજે ૩ કલાક પ્રેક્ટિસ કરું છું અને અભ્યાસ માટે પણ સમય ફાળવું છું.
ઉલ્લેખનીય છે કે, ફલકની માતા મિકેતાબેન ચંદ્રકાંત વસાવાને પણ બાળપણથી જ રમતમાં રૂચિ હતી. તેઓએ જીમ્નાસ્ટિકમાં જ ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરી છે. વર્ષ ૧૯૯૯ થી ૨૦૦૫ દરમિયાન રમતક્ષેત્રે સક્રીય રહીને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ કેટેગરીની જીમ્નાસ્ટિક સ્પર્ધામાં મેડલો હાંસલ કર્યો હતો. વધુમાં તેઓને જીમ્નાસ્ટિકમાં જુનિયર જયદીપ સિંહ બારિયા એવોર્ડથી પણ સન્માનિત કરાયો હતો.
પોતાની દીકરીની સફળતાની સફરને બયાં કરતી વખતે મિકેતાબેન વસાવાની આંખો નમ થઈ હતી.તેઓએ એક માતાની સાથે કોચ બનીને રમતક્ષેત્રે પોતાની દીકરીને પ્રોત્સાહિત કર્યું,જેના પરિણામસ્વરૂપે આજે ફલક રમતક્ષેત્રે ઉંચી ઉડાન ભરવા માટે તૈયાર છે. દીકરી ફલક જેવી રીતે મેડલો જીતી રહી છે તેનો શ્રેય નર્મદા જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવા સહિત તમામ કોચને પણ જાય છે.વધુમાં નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ પણ દીકરી ફલકને રમતક્ષેત્રે ઉજ્જવળ ભાવિ બનાવવા શુભેચ્છા પાઠવી હતી.ફલકે પણ સતત મહેનત કરીને મેડલ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.