ભરૂચ,
ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે વાલીયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલો જીઆરડી જવાનને વલસાડ ખાતેથી ઝડપી પાડ્યો હતો.એલસીબી ટીમે તેને ભરૂચ લાવી વધુ તપાસ અર્થે વાલીયા પોલીસ મથકમાં સોંપ્યો છે.
ભરૂચ જીલ્લા પોલીસવડા મયુર ચાવડાએ જીલ્લામાં નાસતા ફરતા,વોન્ટેડ,પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહિત સ્ટાફ પેટ્રોલિંગમા હતો.તે દરમ્યાન માહિતી મળી હતી કે વાલિયા પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલો ઉમરપાડા તાલુકાનાં ચોખવાડા ગામના મંદીર ફળિયામાં રહેતો અને ચાર મહિના પહેલા વાલિયા પોલીસ મથક માંથી ફરજ મુક્ત કરવામાં આવેલા જીઆરડી જવાન સંદીપ ગુમાનભાઈ વસાવા વલસાડ ખાતે ફરી રહ્યો છે.જે બાતમીના આધારે પોલીસે વલસાડ ખાતે વોચ ગોઠવી હતી અને પૂર્વ જીઆરડી જવાન સંદીપ વસાવાને ઝડપી પાડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૮મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ વાલિયા તાલુકાનાં નલધરી ગામની સીમમાં શેરડીના ખેતરની બાજુમાં રૂ.૧૩.૬૯ લાખનો દારૂ અને ઈકકો,અન્ય કાર તેમજ બાઈક મળી કુલ રૂ.૧૮.૨૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જેમાં સંદીપ વસાવાની સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.