ભરૂચ,
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભરૂચ જીલ્લાનાં આમોદ,અંક્લેશ્વર,હાંસોટ,જંબુસર, વાગરા,ઝઘડીયા અને ભરૂચ તાલુકા માટેના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન માટે લોક સુનાવણી યોજાઈ હતી.
ભારત અને ગુજરાત સરકાર દ્વારા કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન 2019 મુજબ દરિયા કિનારાના વ્યવસ્થાપન માટે નકશા અને કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ તરીકે ઓળખાય છે.આ ડ્રાફ્ટ નકશાઓ જીપીસીબી દ્વારા ગ્રામ પંચાયતને આપવાનું કાર્ય શરૂ કર્યું હતું.જેમાં વિવિધ મુશ્કેલીઓ આવી રહી હતી.જેના ભાગરૂપે આજરોજ ભરૂચના ઓમકાર નાથ હોલ ખાતે નાયબ કલેકટર એન.આર.ધાંધલ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભરૂચ રીઝનલ ઓફિસર કે એન વાઘમશીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.
જેમાં ભરૂચ જીલ્લાના જંબુસર,આમોદ, વાગરા, હાંસોટ,અંક્લેશ્વર,ઝઘડીયા અને ભરૂચ તાલુકાના દરિયા અને નર્મદા, મહીસાગર અને ઢાઢર નદી કિનારાના અસરગ્રસ્ત ખેડુતો,માછીમારો સહિત વિવિધ સામાજિક સંસ્થાના લોકો જોડાયા હતા.જેમાં ડ્રાફ્ટ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન લાગુ થાય તેમાં સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલ તસ્વીરો ના નકશા મુજબ નહિ પરંતુ સ્થળ નિરીક્ષણ કરી જમીન, પાણી, વૃક્ષ સહિતના સેમ્પલ લેવામાં આવે અને ત્યાર બાદ આ પ્લાન ની મંજુરી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ જીલ્લા માંથી અંદાજીત ૧૫૦ કિલોમીટરનો દરિયા પસાર થાય છે.જે દરિયા કાંઠા વિસ્તારમાં વિવિધ ગામો આવેલા છે.જેમાં લોકો દ્વારા ખેતી અને માછીમારી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.ત્યારે સરકાર દ્વારા ડ્રાફ્ટ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાનની મંજુરી માટે લોક સુનાવણી કરવામાં આવી રહી છે.જેમાં અસરગ્રસ્તો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ૨૦૧૯ માં જે લોક સુનાવણી થઈ હતી જેમાં નદી કાંઠા ના ગામોનો સમાવેશ ન હતો.પરંતુ ૨૦૨૩ માં આજરોજ યોજાયેલી લોક સુનાવણીમાં આ ગામોનો સમાવેશ કરવામાં આવતા ગ્રમજનો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો અને નકશા માંથી આવા ગામોને બહાર કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
નકશાઓ તૈયાર કરનાર જેતે એજન્સી દ્વારા તમામ પાસાઓનું સ્થળ નિરીક્ષણ કર્યા બાદ યોગ્ય હોય તોજ મંજૂરી આપવામાં આવે જેથી આવનાર દિવસોમાં દરિયાઈ જળચર સહિત ખેતી અને માછીમારી કરતા લોકોને નુકશાન ન થાય નહિતર આવનાર દિવસોમાં ખેડુતો અને માછીમારો તેમજ મીઠું પકવતા અગરિયાઓને રડવાનો વાળો આવશે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ભરૂચ જીલ્લામાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન માટે લોક સુનાવણી યોજાઈ
- ભરૂચ અને ઝઘડીયા તાલુકાના વિવિધ ગામોનો સમાવેશ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો - સેટેલાઈટ દ્વારા તૈયાર કરાયેલ નક્શા નહિ પરંતુ સ્થળ ઉપર જઈ નિરીક્ષણ કરી તૈયાર કરવા માંગ