ભરૂચ,
આજે વિશ્વભરમાં સ્પર્ધા અને અસુરક્ષિતતાનો માહોલ છે.ત્યારે ધ્યાન જ એક માત્ર માર્ગ છે જે મનુષ્યને આંતરિક શાંતિ અને સલામતી આપી શકે એમ છે. હિમાલયમાં કઠોર તપ સાધનાથી આત્મસાત કરી ધ્યાનયોગ સંસ્કારને સમાજમાં જન સામાન્ય માટે સુલભ કરાવનાર મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના ૮ દિવસીય વિડિયો પ્રવચન સેમિનાર ભરૂચના મકતમપુર ગણેશ મંદિરે રાખવામાં આવ્યો છે.જે સેમિનારના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લઈ ધ્યાન યોગના સંસ્કાર ગ્રહણ કર્યા.
સામાન્ય મનુષ્ય હિમાલયમાં નથી જઈ શકતો, એટલે પરિવાર – સમાજમાં રહીને પોતાની ફરજો બજાવતા રહીને માનસિક રીતે સંતુલિત કેવી રીતે રહી શકાય અને વિપરીતમાં વિપરીત પરિસ્થિતિ માં કેવી રીતે આનંદ પૂર્વક જીવન જીવી શકાય અને જીવન માં સફળતા મેળવી શકાય,એનું વિવિધ ઉદાહરણો દ્વારા અત્યંત સરળ ભાષા માં માર્ગદર્શન આપ્યું.રોજ અડધા કલાક નું ધ્યાન કેવી રીતે આપણું સમગ્ર જીવન બદલી શકે છે, તે પોતાની અને લાખો સાધકો ને થયેલ અનુભૂતિઓ વડે સમજાવ્યું.૮ દિવસીય વિડિયો સેમિનાર આગામી ૨૪ તારીખ સુધી દરરોજ સાંજે 7:30 થી 9:30 દરમ્યાન યોજાનાર છે.જેમાં ઉપસ્થિત રહી પરમાત્માના ચૈતન્યની અનુભૂતિ પ્રાપ્ત કરવા પધારવા સૌ ભાવિકજનોને હિમાલયન સમર્પણ ધ્યાન યોગ પરિવાર ભરૂચ આવકારે છે.