ભરૂચ,
આપ નેતા સંદીપ પાઠકના નિવેદન બાદ ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે. સંદીપ પાઠકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ચૈતરભાઈ વસાવા સાથે ઇમોશન જોડાયેલું છે.ચૈતરભાઈ જીતી શકે એવા ઉમેદવાર છે.જ્યારે મુમતાઝ પટેલ સાથે ઈમોશન જોડાયેલું નથી.આ મુદ્દે હવે ભરૂચ લોકસભાના કોંગ્રેસ પક્ષના પ્રબળ દાવેદાર મુમતાઝ પટેલે સંદીપ પાઠક સામે પલટવાર કર્યો છે.તેમણે જણાવ્યું હતુ કે, તેમણે ઈમોશનની વાત કરી છે તો હું કહેવા માંગુ છું કે, એવા એવા ગામો ફરીને આવી છું. જ્યાં ઘરોમાં આજે પણ અહમદ પટેલની તસવીર છે. એ લોકો એટલા પ્રેમ અને સન્માનથી મને બોલાવે છે બેસાડે છે.લોકો કહે છે કે,આવો બેસો આ જ ખુરશી પર અહમદ પટેલ બેસીને ગયા હતા.રસ્તા બતાવે છે, કબ્રસ્તાન બતાવે છે. કલાસરૂમ બતાવે છે.તમે આખા દેશમાં પૂછશો તો ભરૂચ અહમદ પટેલના નામથી ઓળખાય છે.૪૦ વર્ષથી લોકસભા નહિ જીતી હોય એ વાત સાચી પણ મારા પિતા ૧૫ વર્ષ લોકસભા સાંસદ રહ્યા અને ૩૦ વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહ્યા છે.તો ભરૂચ બેઠકને ૪૫ વર્ષથી કોંગ્રેસે રીપ્રેસંટ કરી છે તો તમે કઈ રીતે કહી શકો કે કોંગ્રેસ ૪૦ વર્ષથી આ બેઠક પર નથી.તેમણે આંકડાની વાત કરી દિલ્હી, ગોવા, પંજાબ બધી જગ્યાનું ગણિત સમજાવી દીધું પણ જ્યારે ભરૂચ બેઠકની વાત આવી તો ગણિત ક્યાં જાય છે.ભરૂચની ૬ વિધાનસભા બેઠક પર તેમની ડિપોઝિટ ગઈ છે.આજે હું વાગરા બેઠક પર જઈને આવી ત્યાં તેમને ૨૦૦૦ મત પણ નથી મળ્યા.ભરૂચ બેઠક પર ડેટા પર વાત કરવાના બદલે ઈમોશનની વાત લઈ આવો છો અને સીધા પરિવાર વાદ ઉપર કેમ આવી જાવ છો? તમને એવું શું પેનીક થયું કે તમારે મારું નામ લેવાની જરૂર પડી? કોંગ્રેસ એ તો હજુ મારું નામ જાહેર પણ નથી કર્યું? ચૈતર વસાવા જીતી શકે એવા ઉમેદવાર હોય તો ગઠબંધનની જીદ કેમ છે? આમ આદમી પાર્ટીમાં લડી લે.એમને ખબર છે કે દેડીયાપાડા અને ઝઘડિયાના થોડા વિસ્તાર સિવાય બીજે ક્યાંયથી તેમને મત મળે એવા નથી.
તેમને કોંગ્રેસના કાર્યકરોની જરૂર પડવાની છે.કોંગ્રેસના મત બેંકની જરૂર પડવાની છે.પણ એ શક્ય નથી. કારણ કે અહીંયા લોકો નિશાનને જુવે છે.ખાસ કરીને ગામડાના લોકો.ભરૂચમાં લોકોને બે નિશાન જ સમજાય છે એક પંજો અને બીજું કમળ.અમે લોકોને સમજાવીશું કે ગઠબંધન થયું છે ઝાડુ ને મત આપો તો તે લોકો સમજી ન શકે.જો ચૈતરભાઈ જીતી શકે એવા હોય તો આમ આદમી પાર્ટી માંથી પોતાના નામ પર અને પોતાના દમ પર લડી બતાવે.
ચૈતરભાઈ સાથે ઈમોશન જોડાયેલું હોય તો પોતાના દમ પર ચૂંટણી લડી બતાવે : મુમતાઝ પટેલ
- તમને એવું શું પેનીક થયું કે તમારે મારું નામ લેવાની જરૂર પડી? : મુમતાઝ પટેલ