google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeStoriesપ્રવાસીઓ બંધ થશે તો આવનારા સમયમાં કબીરવડ પોતાનો ઈતિહાસ ગુમાવશે!

પ્રવાસીઓ બંધ થશે તો આવનારા સમયમાં કબીરવડ પોતાનો ઈતિહાસ ગુમાવશે!

- હજારો પ્રવાસીઓથી ઉભરાતું પ્રવાસનધામ કબીરવડ આજે સુમસામ બન્યું - આસપાસમાં આવેલ શુકલતીર્થ અને અંગારેશ્વર પ્રવાસનધામની પણ આજે હાલત ખરાબ - ૨૦૧૧ માં ખાતમુર્હત વિધિ યોજાયા બાદ વિકાસથી વંચિત કબીરવડ આજે પણ આજ સ્થિતિમાં

ભરૂચ,
ભરૂચ જીલ્લમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ, શુકલતીર્થ અને અંગારેશ્વર સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૫૦ કરોડના ખર્ચે વર્ષ ૨૦૧૧ માં ખાતમુર્હત વિધિ યોજાઈ હતી.જે ખાતમુર્હત વિધિને ૧૩ વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાંય આજદિન સુધી પ્રવાસનધામ માટે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવતા અધૂરા વિકાસે કબીરવડ આજે પ્રવાસીઓ વિના સૂનું પડયું છે.જેથી અહીથી રોજગારી મેળવતા લોકો આજે રોજગાર વિનાના થયા છે જેથી સરકાર દ્વારા વહેલી તકે પ્રવાસન ધામ તરીકે વિકાસ કરી પુનઃ પ્રવાસીઓ ની અવરજવર વધે તેવી માંગ ઉઠી રહી છે.
ભરૂચ જીલ્લાના ઐતિહાસિક કબીરવડ ખાતે ૨૫ મે ૨૦૧૧ ના રોજ રૂ.૫૦ કરોડના ખર્ચે મેગા ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલોપમેન્ટ પ્રેયોજકટ હેઠળ કબીરવડ, અંગારેશ્વર અને શુકલતીર્થને વિકસિત કરવા માટે કેન્દ્ર સરકારના તે સમયના ટુરિઝમ મંત્રી સુબોધકાંત સહાય તથા ગુજરાત સરકારના ટુરિઝમ મંત્રી જયનારાયણ વ્યાસ સહિતના મંત્રીઓના હસ્તે તકતી લગાવી ખાતમુર્હત વિધિ કરાઈ હતી.પરંતુ ખાતમુર્હત વિધિ કરાયા બાદ ૧૩ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં આજદિન સુધી ત્રણેય પ્રવાસનધામો વિકાસથી વંચિત રહ્યા છે.
અગાઉના વર્ષોમાં કબીરવડ ખાતે રાજ્યભ રમાંથી પ્રવાસીઓ આવતાં હતા અને ઉનાળા વેકેશનમાં તો રોજના સરેરાશ ૭ હજારથી વધારે સહેલાણીઓ આવતાં હતા.પણ હવે રોજના ૨૦ સહેલાણીઓ માંડ આવી રહ્યા છે.કબીરવડ સહિતના પ્રવાસન સ્થળોએ નર્મદા નદીના છીછરા પાણીના કારણે એક સમયે રોજના હજારો પ્રવાસીઓ આવતાં હતાં.પરતું કબીરવડનો વિકાસ નહીં થતા પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે પ્રવાસીઓ ઘટી રહ્યા છે.જેના કારણે અહીંયા વ્યવસાય કરતાં વેપારીઓને મોટો ફટકો પડી રહ્યો છે.જેના પગલે અહી રોજગારી મેળવતા લોકો પણ બેરોજગાર બન્યા છે.

આ અંગે હોડીઘાટના સંચાલક કમલેશ માછીએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે કબીરવડમાં ઉનાળામાં વેકેશનમાં હજારો પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ દરેક રાજ્ય માંથી આવતા હતા.પરતું અહીંયાની સુવિધાઓના અભાગે પ્રવાસીઓની સંખ્યા નહિવત બની છે.એક સમય એવો હતો કે અહીંયા સહેલાણીઓની સામે નાવડીઓ ઓછી પડતી હતી. હવે બોટ હોવા છતાંય સહેલાણીઓ આવતા નથી.આ એક ઐતિહાસિક સ્થળ હોવાથી સરકારના પ્રવાસન વિભાગ દ્વારા તેના વિકાસ માટેની વહેલી તકે કાર્યવાહી કરાય તે જરૂરી છે.કારણ કે હોડી ઘાટ માટે જીલ્લા પંચાયતમાં રૂપિયા ભરી હોડી ઘાટનું સંચાલન લીધું હોય પરંતુ હોડીમાં બેસનાર પ્રવાસીઓ જ ન આવે તો અમારે આ રૂપિયા કયાંથી કાઢવા એ પણ એક સવાલ ઉભો થયો છે અને આવનારા સમયમાં વિકાસ નહિ થાય તો આ હોડી ઘાટ માત્ર કહેવા અને જોવા પૂરતો રહી જશે કારણકે અહીં હોડીઓ જ બંધ થઈ જશે તો સામે પાર કેવી રીતે જઈ શકાશે.
આ બાબતે ભરૂચ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે કબીરવડ સહિતના ત્રણ પ્રવાસના ધામના વિકાસ માટે જે તે સમયે સ્વ.અહેમદ પટેલે ૫૦ કરોડની ફાળવણી કરી ખાતમુર્હત પણ કરાયું હતું.પરંતું ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર આનો વિકાસ કરવા માંગતી નથી. અહીંયા એક કબીરવડ અને કબીરપંથી સ્થળ છે જેનો ખરેખર વિકાસ થવો જોઈએ તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી જુઠું બોલવામાં માહિર છે. આ વિકાસ તેમણે રોકી રાખ્યો છે.ભાજપ સરકાર કબીરવડની જાળવણી કરવામાં નિષ્ફળ નિવળી છે જેના કારણે કબીરવડ આજે વિકાસથી વંચિત બન્યું છે.
અહીંયા વ્યવસાય કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે અહીંયા આવતા હજારો પ્રવાસીઓના કારણે લોકોને જીવન નિર્વાહ માટે ઘણું ઉપયોગી બની રહેતું હતું. શનિ-રવિ અને ઉનાળા વેકેશનમાં અહીંયા ફરવા અને દર્શન માટે આવતા પ્રવાસીઓના કારણે અહીંયાના વેપારીઓનો સારો ધંધો થઈ જતો હતો, પરંતું હાલમાં અમારે માંડ ૪૦૦ થી ૫૦૦ રૂપિયાનો જ ધંધો થાય છે.

કબીરવડની સામે આવેલા મઢીના કબીર મંદિર ખાતેના મહંત રાજેન્દ્રદાસ ગુરુગોકળદાસે વાતચીત કરતા જણાવ્યું હતું કે નર્મદા નદીના કિનારે વસેલું કબીરવડ કબીરપંથીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે.સંત કબીરનું મંદિર અને પૌરાણિક વડલો અહીં આવેલા છે.નર્મદા નદીનો છીછરો અને રેતાળ પટ પ્રવાસીઓને આર્કષે છે.પરંતું અહીંયા આવતા સહેલાણીઓ માટે જમવા,રહેવા,લાઈટ અને બાથરૂમ તેમજ સફાઈ સહિતની કોઈપણ પ્રકારની વ્યવસ્થાઓ ન હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.જેના પગલે પ્રવાસીઓ આવતા બંધ થયા છે.સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧ માં ખાતમુહૂર્ત કરી તકતી લગાવી પણ આજદિન સુધી કોઈપણ પ્રકારની કામગીરી કરાઈ નથી.જેથી સરકાર વહેલી તકે આ કામગીરી કરાવે તેવી રજૂઆતો કરવામાં આવી છે.
અંગારેશ્વર ગામના ડેપ્યુટી સરપંચ મહેશ પરમારે આ યોજના અંગે જણાવ્યું હતું કે ભરૂચના જીલ્લામાં જેટલા કલેક્ટર આવ્યા એટલા કલેક્ટરો કબીરવડ, શુકલતીર્થ અને અંગારેશ્વર યાત્રાધામની મુલાકાત લેતા હોય છે.આ અંગે વહીવટી તંત્ર દ્વારા ટેન્ડરીંગ કરવામાં આવે છે.પરંતુ કોઈ કારણોસર કબીરવડ, શુકલતીર્થ અને અંગારેશ્વરનો વિકાસ આજદિન સુધી થયો નથી.
પરિવાર સાથે કબીરવડ ખાતે ફરવા આવેલા અમદાવાદના હિતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે કબીરવડ ઘણુ સારું સ્થળ છે પરંતુ અહીંયા પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે લોકો ઓછા આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.તેમ છતાંય સરકાર દ્વારા યોગ્ય સુવિધાઓ ઉભી કરાય તો પ્રવાસીઓ વધારે આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા ૫૦ કરોડના ખર્ચે વર્ષ ૨૦૧૧ માં ખાતમુર્હત વિધિ યોજી હતી.ત્યાર બાદ કોઈપણ પ્રકારનું કામ અહીં કરવામાં ન આવતા વારંવાર રજૂઆત કરવા છતાં ગુજરાત પ્રવાસન વિભાગ કે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા શા માટે વિકાસ કરવામાં ન આવ્યો તે એક પ્રશ્ન ઉભો થયો છે.ગુજરાત સરકાર અને ભરૂચ વહીવટી તંત્ર અને રાજકીય નેતા માત્ર રોડ સહિતના વિકાસના કામો કરી પોતાની વાહવાહી મેળવી રહ્યા છે.પરંતુ પ્રવાસન ધામનો વિકાસ નહિ કરતા આજે અહીં પ્રવાસીઓ નહિ આવવાના કારણે કબીરવડ પોતાનો ઈતિહાસ ગુમાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!