ભરૂચ,
ભરૂચના જબુંસર બાયપાસ નજીક આવેલા આઈમન પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ ધોળે દહાડે નિશાન બનાવી સોનાના ઘરેણાં અને ડોલર મળીને લાખોની મત્તા પર હાથ ફેરો કરી પલાયન થઈ ગયા છે.પરિવારની મુલાકાત લેવા આવેલા વ્યક્તિએ ઘર ખુલ્લું જોતા ચોરી થઈ હોવાની જાણ કરતાં બહાર ગામ ગયેલા મકાન માલિકો દોડી આવી બી ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા તેમણે તપાસ હાથધરી છે.
ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે કેમકે કોઈના પણ કોફ વગર ધોળે દહાડે ચોરીઓને અંજામ આપી રહ્યા છે.ભરૂચના જબુંસર બાયપાસ પાસે આઈમન પાર્ક નામની સોસાયટી આવેલી છે જેમાં સી-9 માં રહેતા અસલમ ઈસ્માઈલ પટેલ રવિવારના રોજ સવારે 8 વાગ્યાના અરસામાં પોતાના પરિવાર સાથે મકાનને તાળું લગાવીને સુરત ગયા હતા.આ તકનો લાભ ઉઠાવી ધોળે દહાડે તેમના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતાં.તસ્કરોએ તેમના મકાનના દરવાજાનો તાળું તોડી મકાનમાં પ્રવેશી મકાનમાં કબાટમાં મુકેલા સોનાના ઘરેણાં અને ડોલરો મળીને લાખોની મત્તા ઉપર હાથ ફેરો કરીને પલાયન થઈ ગયા હતા.
જોકે ટંકારીયા ખાતે રહેતા ભાઈ તેની બહેનને મળવા માટે આવતા તેના ઘરનું તાળું તૂટેલું હોય તેણે તેની બહેનને કોલ કરી ક્યાં હોવાનું પૂછતાં તેઓ સુરત ગયા હોવાનું જણાવ્યુ હતુ.ત્યારે ભાઈએ તેની બહેનને વીડિયોકોલ કરી બતાવતાં તેઓના મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.જેથી અસલમ પટેલે સુરતથી પરત આવીને જોતા ઘરમાં રહેલા સોનાના ઘરેણાં,ડોલર અને રોકડા રૂપિયા મળીને લાખોની મત્તા પર હાથ ફેરો થયો હોવાનું માલુમ પડ્યું હતું.આ મામલે તેઓએ ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકમાં કરવામાં આવતા તેઓએ દોડી આવી FSL અને ડોગ સ્કોડની મદદ મેળવી આસપાસ ના સીસીટીવી ફુટેજ મેળવી મકાન માલિકની ફરિયાદ નોંધી તસ્કરોને શોધવાની કવાયાત હાથધરી છે.
ભરૂચમાં ધોળે દહાડે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોનાના ઘરેણા અને ડોલર પર હાથફેરો કરી ફરાર
- પરિવારની મુલાકાત લેવા આવેલા વ્યક્તિએ ઘર ખુલ્લું જોતા ચોરી થઈ હોવાની જાણ કરી : પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી