ભરૂચ,
ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ જૂની વાડી વિસ્તારમાં અજાણી વ્યક્તિએ ઘરનો દરવાજો ખખડાવી ઘરમાં રહેલા યુવક પર કેરોસીન નાખી તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આગની લપેટમાં આવેલ યુવક જીવ બચાવી ઘરની બહાર આવતા લોકોએ તેને બચાવ્યો હતો અને ગંભીર રીતે દાઝેલો હોવાથી યુવકને ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જ્યારે બચાવવા પડેલા તેનો ભાઈ પણ દાઝ્યો હોવાથી તેની પણ સારવાર કરાઈ હતી.સમગ્ર મામલે ભરૂચ બી ડિવિઝન પોલીસે તપાસ હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ જૂની વાડી વસંત મિલના ચાલ વિસ્તારમાં રહેતા કિશનભાઈ વસાવા તેમના ઘરે હાજર હતા.દરમ્યાન બપોરના અરસામાં કોઈ અજાણી વ્યક્તિએ તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો.કિશન વસાવાએ ઘરનો દરવાજો ખોલતા જ ઘરની બહારથી અજાણી વ્યક્તિએ કિશન વસાવા પર કેરોસીનના પાઉચ નાખી તેની પાસે રહેલો દીવો છૂટો મારી તેને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. કિશન વસાવા આગની લપેટમાં આવી જતા બુમાબૂમ કરીને ઘરની બહાર દોડ્યા હતા.કિશનને બચાવવા માટે તેના ભાઈએ કોશિશ કરતા તે પણ દાઝ્યો હતો. વિસ્તારના અન્ય લોકોએ પણ કિશનને બચાવવાના પ્રયાસ કર્યા હતા.પરંતુ કિશન વસાવા ગંભીર રીતે દાઝ્યો હતો.આથી તેને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.આ હુમલા માટે પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.