(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઈન્દોર ગામે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા હતા. આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગતરોજ તા.૨૮ મીના રોજ ઉમલ્લા પીએસઆઈ એ.એન.ચૌધરી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે ઈન્દોર ગામે રહેતા યુસુફભાઈ અકબરભાઈ કુરેશી પોતાના ઘરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો સાથે બેસીને પૈસાથી પત્તાપાનાનો હારજીતનો જુગાર રમે છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા ત્યાં ખુલ્લી જગ્યામાં બેસીને બે ઈસમો જુગાર રમતા જણાયા હતા.પોલીસે કોર્ડન કરીને તેમને પકડી લીધા હતા.જુગાર રમતા ઝડપાયેલા સદર ઈસમો મનોજ રમણભાઈ પટેલ તેમજ યુસુફ અકબરભાઈ કુરેશી બન્ને રહે.ગામ ઈન્દોર તા.ઝઘડિયા જી.ભરૂચનાને રોકડા રૂપિયા તેમજ મોબાઈલ નંગ બે મળીને કુલ રૂપિયા ૧૯૦૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈને ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી. આ ઘટનાને લઈને તાલુકામાં જુગારના દુષણ સાથે સંકળાયેલા જુગારીયાઓમાં ફફડાટ ફેલાયો હતો.ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયથી તાલુકાના વિવિધ વિસ્તારોમાં જુગારનું દુષણ વધી રહ્યું હોવાની વાતો ચર્ચામાં આવી રહી છે.
ઝઘડિયા તાલુકાના ઈન્દોર ગામે રૂપિયા ૧૯ હજારના મુદ્દામાલ સાથે જુગાર રમતા બે ઈસમો ઝડપાયા
- રોકડા રૂપિયા તેમજ મોબાઈલ નંગ બે મળીને કુલ રૂપિયા ૧૯૦૭૦ ના મુદ્દામાલ કબ્જે - પાછલા કેટલાક સમયથી તાલુકાના વિવિધ વિસ્તારોમાં જુગારનું દુષણ વધી રહ્યું હોવાની વાતોની ચર્ચા