ભરૂચ,
ભરૂચ તાલુકાના કહાન ગામે ખોટા દસ્તાવેજોના આધારે અનેક લોકો ખેડૂત ખાતેદાર બન્યા હોવાની ભરૂચ કલેકટર પાસે અરજદારે રાવ નાંખી છે.આ અંગે યોગ્ય તપાસની માંગ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ જિલ્લાના કહાન ગામના રાબીયાબીબી અલી ઉંમર ફટક તેમના પિતાની કહાન સ્થિત જમીનમાં વારસાઈના આધારે જુના સર્વે નંબર ૫૯ થી ખેડૂત ખાતેદાર બન્યા હતા.સદર જમીન માટે તેઓએ ઐયુબ અલી પટેલને પાવર ઓફ એટર્ની આપ્યો હતો.સદરૂહ જમીનના પાવરદાર ઐયુબભાઈ જેઓ સરફરાઝ મહમદ સીદીક વાઘબકરી વાલાના વહીવટકર્તા હતા.સરફરાઝએ એક અન્ય પાવર બનાવી પાવરદાર ઐયુબભાઈ પાસે સહી કરાવી લીધી હતી.સદર પાવરમાં મૂળ ખેડૂત રાબીયા અલ્લી ઉંમર ફટકની જગ્યાએ રાબીયાબીબી અલી મહમદના ખોટા નામની સહી સાથેનો ફોટો ચોંટાડી પાવરદાર સાથે વિશ્વાસઘાત કર્યો હતો.આ સાથે ભરૂચ જિલ્લાના કહાન ગામની સીમમાં ખોટી રીતે ખેડૂત ખાતેદારમાં નામ દાખલ કરી અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામે જૂનો સર્વે નંબર ૪૬૪ અલાઉદ્દીન ગુલામહુશેન શેખના નામની જમીન વેચાણ લઈ નોંધ નંબર ૪૦૪૧ થી રાબીયા બીબી અલી ઉંમર ફટકની દીકરી તે મહંમદ સીદીકની પત્નીના નામથી જમીન ધારણ કરી હતી. સદર સર્વે નંબર ૪૬૪ માં તેમના વારસદારો તરીકે નોંધ નંબર ૪૦૫૦ થી સરફરાઝ મહમદ સીદીક,ફિરદોસબાનુ મહમદ સીદીક,મહમદ ફારૂક મહમદ સીદીક અને મહમદ અનવર મહમદ સીદીકના નામો વારસાઈના આધારે દાખલ કર્યા હતા. આમ ક્રમશઃ તેમના વારસદારોએ ખોટા ખેડૂત ખાતેદાર બની ભરૂચના કહાન અને વરેડિયા ગામે સેંકડો એકર ખેતીની જમીનના માલીક બન્યા છે. અને તેઓના ખેતીની જમીનને બિન ખેતીમાં તબદીલ કરવાના પ્રયાસ ચાલુ છે.આ અંગે અરજદાર આમીર પટેલે પોતાની અરજીમાં ભરૂચ કલેકટર પાસે યોગ્ય તપાસ હાથ ધરવા અને ખોટા બનેલ ખેડૂતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ઘા નાંખતા ચકચાર મચી જવા પામી છે.અરજદારે કરેલ આક્ષેપ વાળા ખેડૂતો ખરેખર સાચા છે કે ખોટા? એ તો તપાસના અંતે જ ખબર પડશે.
ભરૂચમાં એક મહિના અગાઉ જ બનાવતી નામે ખેડૂત બનાવવાનો કિસ્સો સામે આવ્યો હતો. અન્ય લોકોની પણ આ પ્રકારની અરજી કલેકટરના ટેબલ પર છે. ત્યારે ખોટી રીતે ઉપાડી ખેડૂત ખાતેદાર બની જમીન લે-વેચ કરનારાઓને તંત્રનો કોઈ ડર નથી.? કે પછી આ બધા ખેલ પાછળ અધિકારીઓની પણ ભૂંડી ભૂમિકા છે.? તે પણ એક તપાસનો વિષય છે.ફરિયાદને આધારે કલેકટર યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે.
ભરૂચના કહાન ગામે ખોટા દસ્તાવેજોના આધારે અનેક લોકો ખેડૂત ખાતેદાર બન્યા હોવાની કલેકટરને અરજદારની રાવ
- ખોટી રીતે ખેડૂત ખાતેદારમાં નામ દાખલ કરી અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામે જૂનો સર્વે નંબર થી જમીન વેચાણ કરી નામે કરાઈ - ફરિયાદને આધારે કલેકટર યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી