(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે પતિ પત્ની તરીકે રહેતા યુગલ વચ્ચે પત્ની અન્ય સાથે આડો સંબંધ રાખતી હોવાની વાતે ઝઘડો થયો હતો. આ દરમ્યાન જમાઈ પોતાની દિકરી પર આડા સંબંધનો વહેમ રાખી મારતો હોવાથી વચ્ચે પડનાર સસરાને જમાઈએ સળિયો મારી ઈજાગ્રસ્ત કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.
આ અંગે મળતી વિગતો અનુસાર મહેશ વસાવા નામના યુવકને એક યુવતી સાથે છેલ્લા સાતેક મહિનાથી પ્રેમ સંબંધ હોઈ તે યુવતીની સાથે યુવતીના ઘરે રહેતો હતો.દરમ્યાન તા.૨૦ મીના રોજ સાંજના સમયે મહેશે તેની પત્નીને કહ્યું હતુંકે તું મજુરી કામે જાય છે ત્યાં બીજા સાથે સંબંધ રાખે છે,જેથી તું જેની સાથે આડો સંબંધ રાખે છે તેની સાથે ભાગી જા અને મને છુટુ આપી દે. તેમ કહીને ગાળો બોલીને પત્નીને મારવા લાગ્યો હતો.તેથી યુવતીના પિતાએ વચ્ચે પડીને તેના જમાઈને કહ્યું હતું કે હાલ તું અહિંથી જતો રહે,તમારા બન્નેનું સમાજની રીતે છુટું કરીશું. આ સાંભળીને મહેશ સસરાને ગાળો બોલીને ઢિકાપાટુનો માર મારવા લાગ્યો હતો અને ઘરના દરવાજા પાસે મુકેલ લોખંડનો સળિયો લઈને સસરાને મારવા જતા સળિયો તેના સસરાને ગળાના ભાગે વાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું અને ત્યાર બાદ ધમકી આપીને ત્યાંથી જતો રહ્યો હતો.ઈજાગ્રસ્તને સારવાર માટે રાજપીપલા લઈ જવાયો હતો.ઘટના સંબંધે ઈજાગ્રસ્ત સસરાએ તેના જમાઈ મહેશ વસાવા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.