ભરૂચ,
ભરૂચના ઘીકુડીયા ખાતેથી ટ્રાન્સપોર્ટનો વેપાર કરતા કિરીટભાઈ એ.ધોરાવાલાએ સને ર૦૧૩-૧૪ના અરસામાં સીલ્વર સી કોમ્પલેક્ષ, લીંકરોડ-ભરૂચ સ્થિત જાનવી ફાયનાન્સના જતીન પ્રવિણચંદ્ર કેશરૂવાલા પાસેથી પાંચ લાખ રૂપિયાની લોન લીધી હતી.લોન સામે સિક્યુરીટી પેટે જાનવી ફાયનાન્સને કોરા ચેક સહી કરી આપ્યા હતા.કિરીટભાઈએ તમામ લોન ચૂકતે કરી દીધી હતી છતાં ફાયનાન્સરે વાગરા તાલુકાના સાયખાના મળતિયાઓ મહેન્દ્રસિંહ દિલાવરસિંહ રાજ,હેમંતસિંહ દિલાવરસિંહ રાજ, દિનેશસિંહ જીતસિંહ રાજ, સુનીલસિંહ રણજીતસિંહ રાજ વિ.સાથે મળી કોરા ચેકોનો ગેરલાભ ઉઠાવી મોટી રકમ ખોટી રીતે પડાવવાના હેતુથી ષડયંત્ર રચ્યું હતો.જેમાં ચારેય ચેકોમાં રૂપિયા પંચોચેર-પંચોતેર લાખ જેટલી રકમ લખી નાંખી ફક્ત આ ચેકોને જ આધાર બનાવી અલગ-અલગ મળી કુલ ત્રણ કરોડ જેટલી મોટી રકમના ખોટાદાવાઓ ભરૂચની સીવીલ કોર્ટમાં અનુક્રમે ૩૭/૨૦૧૬, ૩૯/૨૦૧૬, ૪૧/૨૦૧૬ તેમજ ૪૩/૨૦૧૬થી દાખલ કરી દીધેલ હતા.
ફાયનાન્સર ટોળકીએ બોરસદના બે વકીલો એન.એચ.પંજાબી તથા આર.ડી.પરમાર અને ભરૂચના એક દિલીપ પરમાર એમ કુલ ત્રણ-ત્રણ વકીલો રોકી ભરૂચની સિવિલ કોર્ટમાં વાદી બની ફક્ત ચેકોના આધારે પંચોતેર-પંચોતેર લાખના કુલ ચાર દાવા કરી દીધા હતા.જેની સામે પ્રતિવાદી તરીકે કિરીટભાઈ ધોરાવાલા તરફે એડવોકેટ જતીનકુમાર એસ. કાપડીઆ હાજર રહ્યા હતા.જેમની દલીલો,હકીકતો તથા દસ્તાવેજી પુરાવાઓ વિ.ને ધ્યાને લઈ ભરૂચ સિવિલ કોર્ટના પાંચમા એડીશનલ સિનિયર સિવિલ જડ્જ એસ.આર. વકાલીયા સાહબે અરજદારો એવા રાજ બંધુઓના તમામ દાવાઓને રદ્દ ઠેરવી વેપારી કિરીટભાઈના લાભમાં ચુકાદો આપ્યો હતો.
વધુમાં કોર્ટે તમામ વાદીઓએ ચેકમાં ખોટી રીતે મોટી રકમ ભરી ખોટો દાવો માંડી કોર્ટનો કિંમતી સમય બગાડવા બદલ દસ હજારનો દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો જીલ્લા કલેકટરને તેની વસૂલાત કરવાનો હુકમ ફરમાવ્યો હતો.તથા પ્રતિવાદીને પણ ખર્ચ તેમજ વળતર રૂપિયા ત્રણ હજાર ચૂકવવાનો આદેશ કર્યો હતો.કોર્ટના આ ચુકાદાથી ખોટી રીતે રકમ પડાવનાર ફાયનાન્સરો તથા વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
– જો કોઈ અન્ય હોત તો ક્યારનોય આત્મહત્યા કરી લેત : કિરીટભાઈ ધોરાવાલા
જાનવી ફાયનાન્સ પાસે મેં પાંચ લાખ લોન પેટે લઈ તેની સિકયુરીટી માટે કોરા ચેકો સહી કરી આપેલા. જાનવી ફાયનાન્સના પ્રોપરાઈટર જતીન પ્રવિણચંદ્ર કેશરૂવાલાએ કેટલાક માથાભારે ઈસમો સાથે મળી ચેકોમાં પંચોતેર-પંચોતેર લાખની રકમો ભરી પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.ખોટી રીતે માંગણી કરનારા સામે વશ ન થતા તેઓએ આ ચેકને આધાર બનાવી કોર્ટે ચડ્યા હતા.જેનો હાલ ૭ વર્ષે મને ન્યાય મળેલ છે.આ કેસનો પ્રતિકાર કરવાનું મેં વિચારી માથાભારે ઈસમો સામે પોલીસ કેસ કરતાં તેઓએ રાજકીય વગના જોરે તે પોલીસ-કેસ પણ અભરાઈએ ચડાવી દેવામાં કામિયાબ થયા હતા.મારી જગ્યાએ જો કોઈ બીજો હોત તો આત્મહત્યા જ કરી લેત.આવી ફાયનાન્સ કંપનીઓના લાયસન્સ રદ્દ થાય તો સમાજના લોકો તેવા લોકોની ચુંગાલમાંથી બચી શકે છે.