ભરૂચ,
ભરૂચની ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીમાં આજે બપોરે બે અજાણ્યા વ્યક્તિ આવ્યા હતાં.તેમણે પોલીસ તરીકેની ઓળખ આપી અનેક ઘરોમાં ઘૂસી જઈ દારૂ છુપાવ્યો હોવાનું જણાવ્યું હતું.દારૂ શોધવા આવ્યા છે તેમ કહી અનેક ઘરોની ઘરવખરી વેરવિખેર કરી હતી.આમ અચાનક આવી ચઢેલા લોકોથી મહિલાઓમાં ભયનો માહોલ ઉભો થયો હતો.મહિલાઓએ આ અજાણ્યા શખ્સો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તેની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે જેથી થર્ટી ફર્સ્ટમાં દારૂના વેચાણને રોકવા ભરૂચ પોલીસે નાકાબંધી સહિત કોમ્બિંગ હાથધર્યું છે.ભરૂચ પોલીસે આ કામગીરી પાર પાડવા ચોક્કસ એક્શન પ્લાન ઘડયો છે અને એ રીતે મહિલા પોલીસને પણ સાથે રાખી દારૂની બદી રોકવા પ્રયત્નશીલ છે.આ વચ્ચે આજરોજ ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટીમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો.જેમાં બપોરના સમયે પુરુષ વર્ગ મજૂરીએ ગયો હતો અને મહિલાઓ ઘરે એકલી હતી ત્યારે બે અજાણ્યા શખ્સો ઝૂંપડપટ્ટીમાં ઘૂસ્યા હતા.બંને પોલીસની વર્ધીમાં ન હોતા અને કોઈ જાતનો આધારકાર્ડ પણ તેમની પાસે નહોતો.બંને એક પછી એક મકાનોમાં ઘુસી ઘરવખરી વેરવિખેર કરવાનું શરુ કર્યું હતું.કેટલીક મહિલાઓએ આવું કેમ કરો છો? તેમ પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઘરમાં દારૂ સંતાડ્યો છે કે નહિ તે તપાસ કરીએ છીએ અમે પોલીસ વાળા છીએ.ઘરમાં તપાસ કર્યા પછી કંઈ પણ ન મળતા અને મહિલાઓ ભયભીત બનતાં બંને ત્યાંથી નીકળી ગયા હતા.
આ બનાવ બાદ સ્થાનિક મહિલાઓ ગભરાય ગઈ હતી.તેમણે જણાવ્યું હતું કે અમે મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ.દારૂ વેચવાનું કામ અમારું નથી. આ બંને કોણ હતા અમને ખબર નથી.જો ખરેખર પોલીસ હોય તો તેમણે સર્ચ વોરંટ કે મહિલા પોલીસને સાથે લઈને વર્ધીમાં આવવું જોઈએ જેથી અમે પણ તેમને સહકાર આપી શકીએ પણ આમ સાદી વર્ધીમાં કોઈને પણ અમારા ઘરમાં કઈ રીતે ઘૂસવા દઈએ? પોલીસ આ બે વ્યક્તિ કોણ હતા તેમની તપાસ કરે અને તેમની સામે કાયદેસરના પગલાં ભરે તેવી માંગ સ્થાનિક મહિલાઓએ કરી હતી.
ભરૂચની ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટીના મકાનોમાં પોલીસની ઓળખ આપી અચાનક ઘરોમાં બે વ્યક્તિ ઘૂસી જતાં લોકોમાં ભય
- મહિલાઓ બે અજ્ઞાત લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી - દારૂ શોધવા આવ્યા છે તેમ કહી અનેક ઘરોની ઘરવખરી વેરવિખેર કરી હતી