(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે અહિંયા કેમ બેઠા છો એમ કહીને ત્રણ ઈસમોએ બે ઈસમોને માર માર્યો હતો.
મળતી વિગતો મુજબ ગત તા.૩૧ મીના રોજ ગોવાલી ગામે રહેતા રમેશભાઈ મથુરભાઈ વસાવા રાતના દસ વાગ્યાના અરસામાં તેમના ગામના મિત્ર જીગ્નેશભાઈ જશવંતભાઈ પરમાર સાથે બાલમંદિર પાસે આવેલ હેડપંપ પાસે બેઠા હતા.તે દરમ્યાન તેમના ઘરની સામે રહેતા ભોપીન પરભુભાઈ વસાવા ત્યાં આવ્યા હતા અને કહેવા લાગ્યા હતા કે તમે અહિંયા કેમ બેઠા છો,જેથી રમેશભાઈએ તેમને કહ્યું હતું કે અમારી મરજી તમારે શું છે? આ સાંભળીને ભોપીનભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.આ લોકોએ તેમને ગાળો બોલવાનું ના કહેતા તેઓ લાકડીનો સપાટો લઈને રમેશભાઈને લાકડીના સપાટા મારવા લાગ્યા હતા.ત્યાર બાદ કિરણ ગિરિશભાઈ વસાવા અને કાન્તિ બેચરભાઈ વસાવા નામના ઇસમો પણ લાકડાના સપાટા લઈને ત્યાં આવ્યા હતા અને રમેશભાઈ તેમજ તેમના મિત્ર જીગ્નેશભાઈને લાકડાના સપાટા મારવા લાગ્યા હતા.ઉપરાંત આ લોકોએ તેમને ઢિકાપાટુનો માર પણ માર્યો હતો.ત્યાર બાદ હવે પછી મારા ઘરની સામે બેઠેલા દેખાયા તો બન્ને જણાને જાનથી મારી નાંખીશું,એમ કહીને તે લોકો ત્યાંથી જતા રહ્યા હતા.આ ઝઘડા દરમ્યાન રમેશભાઈ અને જીગ્નેશભાઈને મુઢમાર વાગેલ હોય શરીરમાં દુખાવો થતા બીજા દિવસે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. આ સંદર્ભે રમેશભાઈ મથુરભાઈ વસાવા રહે.ગામ ગોવાલી તા.ઝઘડિયા જી.ભરૂચનાએ ભોપીનભાઈ પરભુભાઈ વસાવા,કિરણ ગિરિશભાઈ વસાવા તેમજ કાન્તિભાઈ બેચરભાઈ વસાવા ત્રણેય રહે.ગામ ગોવાલી તા.ઝઘડિયા જી.ભરૂચના વિરૂધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.