(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં બે મોટર સાયકલ ચાલકોના મોત નીપજ્યા હતા.
રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ તા.૨૭ મીના રોજ રાજપારડી નજીકના ખડોલી ગામ પાસે મુખ્ય ધોરીમાર્ગ પર રાતના સાડા દસ વાગ્યાના અરસામાં એક શેરડી ભરેલ ટ્રેકટરના ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રેકટર પાછળ મોટર સાયકલ લઈને આવતા નર્મદા જિલ્લાના રાજપરાના પ્રશાંતભાઈ ગોવિંદભાઈ વસાવા નામના રહીશની મોટર સાયકલ ટ્રેકટરના ટેલર સાથે પાછળના ભાગે અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં તેઓને ગંભીર ઈજાઓ થયેલ હતી.ઈજાગ્રસ્તને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.જ્યાં સારવાર દરમિયાન પ્રશાંતભાઈનું મોત નીપજ્યું હતુ. અકસ્માતની બીજી ઘટનામાં ઝઘડિયાથી આગળ રાણીપુરા નજીક તા.૨૬ મીના રોજ સાંજના સવા સાત વાગ્યાના અરસામાં રોડ નજીક ઉભેલ એક ડમ્પર પાછળ એક મોટર સાયકલ અથડાતા મોટર સાયકલ ચાલક યુવકનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું.મુળ ઝઘડિયા તાલુકાના દરિયાનો રહીશ અને હાલ ઝઘડિયા ખાતે રહેતો પ્રતિકભાઈ અનિલભાઈ વસાવા નામનો યુવક તા.૨૬ મીના રોજ ભરૂચ જવા મોટર સાયકલ લઈને નીકળ્યો હતો.ત્યારે સાંજના સવા સાત વાગ્યાના અરસામાં ઝઘડિયાથી આગળ રાણીપુરા પાસે રોડ નજીક ઉભેલ એક ડમ્પરની પાછળ પ્રતિકની મોટર સાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં પ્રતિકને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેનું સ્થળ ઉપરજ મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં મુખ્ય ધોરીમાર્ગ સહિત ગ્રામ્ય માર્ગો ઉપરાંત જીઆઈડીસીને જોડતા માર્ગો પર છાસવારે અકસ્માતો સર્જાતા હોય છે.વારંવાર થતાં અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ પણ બનતા હોય છે.
ઝઘડિયા તાલુકામાં અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં એકનું સારવાર દરમ્યાન મોત જ્યારે એકનું ઘટના સ્થળે મોત
- ખડોલી નજીક ટ્રેકટર ચાલકે એકદમ બ્રેક મારતા પાછળ આવતો બાઈક ચાલક ટ્રેકટર સાથે અથડાયો - જ્યારે રાણીપુરા નજીક ઉભેલ ડમ્પર સાથે બાઈક ચાલક અથડાયો