(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ગરુડેશ્વર તાલુકાના અશક્ત અને દિવ્યાંગ નાગરિકોને મતદાન કરવામાં સરળતા રહે એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર દ્વારા પિંક ઓટો ઉપરાંત વ્હિલચેરની ફાળવણી કરવામાં આવશે.આ માટે આજે જિલ્લા ચૂંટણી તંત્ર સાથે મળી સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં મહિલાઓ દ્વારા પિંક ઓટોનું સંચાલન કરવામાં આવે છે.આ ઓટો ઇલેક્ટ્રિક છે અને પર્યાવરણહિતેષી છે.આ ઉપરાંત, અહીં આવતા અશક્ત પ્રવાસીઓ માટે વ્હિલચેરની વસાવવામાં આવી છે. પ્રવાસીઓની મહત્તમ જરૂરિયાત ધ્યાને રાખી બાકીની વ્હિલચેર નાંદોદ પ્રાંત કચેરીને ચૂંટણી પૂરતા દિવસો માટે આપવામાં આવશે, પછી પરત મેળવી લેવામાં આવશે.
આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર દ્વારા પિંક ઓટો મતદાનના દિવસ માટે ફાળવવામાં આવશે. આ પિંક ઓટો ડ્રાઇવર સાથે ગરુડેશ્વર તાલુકાના ગામોમાં જઈ અશક્ત,દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી પરિવહનની સુવિધા પૂરી પાડશે. આમ, જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર દ્વારા શારીરિક અશકતાને કારણે મતદાનથી વંચિત રહી ના જાય એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગરના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ તરફથી અધિક કલેકટર ગોપાલ બામણીયા અને જીલ્લા ચુંટણી તંત્ર તરફથી પ્રાંત અધિકારી,રાજપીપળા ડૉ.કિશનદાન ગઢવીએ સમજુતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ગરુડેશ્વર તાલુકાના ગામોમાં વૃદ્ધો અને દિવ્યાંગોને પિંક ઓટો મતદાન મથક સુધી લઈ જશે
- સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ, એકતા નગર દ્વારા ૧૫૦ ઈ-રીક્ષા અને વ્હિલચેર ફાળવાશે