(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયાના રહીશ નરેન્દ્રસિંહ પરમારની ઓલ ગુજરાત ફેર પ્રાઈસ એસોસિયેશનની કારોબારીમાં સંગઠન મંત્રી તરીકે વરણી થઈ હતી.
આ અંગે મળતી વિગતો મુજબ તાજેતરમાં ઓલ ગુજરાત ફેર પ્રાઈસ એસોસિયેશનની ગાંધીનગર ખાતે મળેલ બેઠકમાં એસોસિયેશનના નવા હોદ્દેદારોની બિનહરિફ વરણી કરવામાં આવી હતી.જેમાં ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતેના સસ્તા અનાજની દુકાનના સંચાલક નરેન્દ્રસિંહ પરમારની એસોસિયેશનમાં સંગઠન મંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે ફેર પ્રાઈસ એસોસિયેશન રાજ્યના સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોના સંચાલકોના હક્કો માટે જાગૃત રહીને તેમના માટે લડત આપતું હોય છે.એસોસિયેશનમાં સંગઠન મંત્રીના હોદ્દા માટે પસંદગી પામેલ ઝઘડિયાના દુકાન સંચાલક નરેન્દ્રસિંહ પરમાર હાલ ફેર પ્રાઈસ એસોસિયેશનના ઝઘડિયા તાલુકા સંગઠનમાં પ્રમુખ ઉપરાંત ભરૂચ જીલ્લાના સંગઠનમાં પણ પ્રમુખ તરીકે હોદ્દા ધરાવે છે.તેમની સરાહનીય કામગીરીને લઈને એસોસિયેશન દ્વારા તેમને રાજ્ય સ્તરના સંગઠનમાં સંગઠન મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.તેમની આ નિમણૂંકને લઇને ઝઘડિયા તાલુકા સહિત ભરૂચ જીલ્લાના સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોના સંચાલકો દ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા.જ્યારે એસોસિયેશનમાં નવ નિયુકત સંગઠન મંત્રી તરીકેનું પદ મેળવનાર નરેન્દ્રસિંહ પરમારે એસોસિયેશન દ્વારા સંગઠનની કારોબારીમાં સ્થાન આપવા બદલ એસોસિયેશનનો આભાર માનીને તેઓ એસોસિયેશને તેમનામાં મુકેલ વિશ્વાસને સાર્થક કરશે એવી લાગણી વ્યક્ત કરી હતી.