(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા ગેસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મફત ગેસ જોડાણ આપવાની યોજના અમલમાં છે.પરંતું કેટલીકવાર આ બાબતે તેનો યોગ્ય લાભ લાભાર્થીને આપવામાં સંબંધિત વિભાગ દ્વારા ગલ્લાતલ્લા કરવામાં આવતા હોવાનું પણ બનતું હોય છે.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામના ગુલામહુશેન ખત્રી નામના રહીશે તેમની પત્નિ જમીલાબાનુંના નામે અગાઉ સારસા ઈન્ડેન ગેસમાં ઉજ્જવલા યોજના હેઠળ ગેસ જોડાણ મેળવવા અરજી કરેલ હતી.એક વર્ષ અગાઉ તેમની અરજી મંજુર થઈને મોબાઈલ પર મેસેજ પણ મળ્યો હતો. જોકે ત્યાર બાદ સારસા ઈન્ડેનના ડિસ્ટ્રિબ્યુટર દ્વારા તેમને જણાવાયું હતું કે હમણાં ઉજ્જવલા યોજના બંધ થઈ ગયેલ હોઈ ફરીથી ચાલુ થશે ત્યારે તમને ગેસ જોડાણ મળી જશે.હાલમાં થોડા સમયથી આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ફરીથી ચાલુ કરવામાં આવી છે,તેથી અરજદાર ગુલામહુશેન ખત્રીએ ગેસ ડિસ્ટ્રિબ્યુટરનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે તમારી અરજી અગાઉ મંજુર થઈ હતી.પરંતું જેતે સમયે ઉજ્જવલા યોજના બંધ થઈ ગયેલ હતી.જેથી ઈન્ડેન ગેસની હેડ ઓફિસેથી તમારી અગાઉની અરજી સંબંધિત પ્રોસેસ થયેલ તે કેન્સલ કરાવીને ફરીથી પ્રોસેસ કર્યા બાદ ગેસ જોડાણ મળી શકશે.ત્યાર બાદ અરજદારે ઈન્ડેન ગેસના ઉચ્ચ અધિકારીઓનો વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવા છતાં તેમને કોઈ સંતોષજનક જવાબ મળેલ નહિ.ઉજ્જવલા ગેસ જોડાણના લાભથી પોતાને વંચિત રાખવામાં આવતા હોવાની લાગણી સાથે અરજદાર ગુલામહુશેન ખત્રીએ આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને વોટ્સ એપ દ્વારા લેખિતમાં રજુઆત કરીને આ બાબતે યોગ્ય કરવા માંગ કરી હતી.