(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર અવારનવાર નાનામોટા અકસ્માત સર્જાતા રહે છે.આ પૈકી ઘણા અકસ્માતો જીવલેણ પણ બનતા હોય છે.તાલુકામાં સર્જાતા અકસ્માતો પૈકી મોટાભાગના અકસ્માતો બેફામ દોડતા મોટા વાહનોને લઈને થાય છે. અકસ્માતોની પરંપરા ચાલું રહેતી હોય એમ તાલુકાના પાણેથા ગામ નજીક એક ટ્રક અને મોટર સાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટર સાયકલ સવાર બે ઈસમો પૈકી એકનું સારવાર દરમ્યાન મોત થયું હતું.આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ પાણેથા ગામે રહેતા સલીમભાઈ ઈમામભાઈ પઠાણ અને ગામના ભાયલાલભાઈ દાનજીભાઇ વાઘેલા મોટર સાયકલ પર બપોરના સમયે ખેતરે જવા નીકળ્યા હતા.આ લોકો બપોરના સાડા ત્રણ વાગ્યાના સમયે પાણેથા ગામના બસ સ્ટેન્ડ નજીક આવીને ખેતર તરફ જવા મોટર સાયકલ વળાવતા હતા.તે દરમ્યાન ઉમલ્લા તરફથી આવતી એક ટ્રકના ચાલકે પુર ઝડપે આવીને પોતાનું વાહન મોટરસાયકલ સાથે અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મોટર સાયકલ સવાર બન્ને ઈસમો મોટર સાયકલ સહિત નીચે પડી ગયા હતા.આ અકસ્માત દરમ્યાન ભાયલાલભાઈને માથાના ભાગે ઈજા થતાં લોહી નીકળ્યું હતું.અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો.ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ભાયલાલભાઈ વાઘેલાને ઉમલ્લા ખાતે પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે રાજપીપલા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.જ્યાં ફરજ પરના તબીબે ભાયલાલભાઈની તપાસ કરીને તેમને મરણ પામેલ જાહેર કર્યા હતા.
અકસ્માતની આ ઘટના સંદર્ભે સલીમભાઈ ઈમામભાઈ પઠાણ રહે.ગામ પાણેથા તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ અકસ્માત કરી પોતાનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયેલ ટ્રક ચાલક વિરૂધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકામાં છાસવારે સર્જાતા અકસ્માતોને લઈને જનતા ચિંતિત બની છે.તંત્ર બેફામ દોડતા વાહન ચાલકોને જરુરી નિયમો શીખવાડવા આગળ આવે તેવી માંગ ઉઠવા પામી છે.