(સંજય પટેલ,જંબુસર)
જંબુસર નગરપાલિકામાં બજેટલક્ષી સાધારણ સભા પાલિકાના પ્રમુખ અમીષાબેન શાહની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં આગામી વર્ષ નું રૂપિયા ૧૨,૫૪,૯૬૮ ની પુરાંતવાળુ બજેટ મંજૂર કરવાંમાં આવ્યું હતું.
સભાની શરૂઆતમાં જંબુસર નગર પંચાયતના પૂર્વ સભ્ય ફાતેમા બેબી સમ શેરખાન પઠાણના દુઃખદ નિધન બદલ બે મિનિટનું મૌન પાડી શોક ઠરાવ કરવામાં આવ્યો હતો.જેમાં કુલ છ જે પૈકી પાંચ કામો બોર્ડમાં અને એક કામ સત્તાની રુહે હાથ ધરવામાં આવ્યા હતો.આ સાધારણ સભામાં કુલ ૨૮ સભ્યો માંથી ૧૯ સભ્ય સભામાં હાજર રહ્યા હતા.સભાની શરૂઆતમાં શોક ઠરાવ બાદ કામોનું વાંચન જંબુસર નગરપાલિકાના બાંધકામ ખાતાના ચેરમેન જીગરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં જંબુસર નગરપાલિકા તરફથી રજૂ કરેલ સને ૨૦૨૩- ૨૪ ના વર્ષનું સુધારેલું બજેટ તથા સને ૨૪-૨૫ ના વર્ષનું બજેટ મંજૂર કરવા મૂકવામાં આવ્યું હતી.જંબુસર નગરપાલિકા દ્વારા ૨૦૨૪-૨૫ માં ૨૭,૨૮,૧૬,૬૨૨ ની આવક સામે ખર્ચ રૂપિયા ૨૭,૧૫,૬૧,૬૫૪ નો ખર્ચ રજૂ કરી ૧૨,૫૪,૯૬૮ ની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માહી કન્સલ્ટન્ટની આવેલી અરજીને નિકાલ માટે રજૂ કરાઈ હતી તેમજ જંબુસર નગરપાલિકાની જગ્યાઓ પર આંગણવાડી બનાવવા માટે જગ્યા નક્કી કરવા માટે આવેલ રિપોર્ટનો નિકાલ કરવાની રજૂઆત કરાઈ હતી.