(સંજય પટેલ,જંબુસર)
જંબુસર શહેરમાં ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઈદગાહ તેમજ મસ્જિદોમાં નમાજ અદા કરવામાં આવી શહેર અને દેશમાં એકતા અને ભાઈચારો બની રહે સૌ નિરોગી રહે પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી હતી અને એકમેકને શુભેચ્છાઓ પાઠવી હતી.
મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોઝા રાખવામાં આવતા હોય છે રમજાન ચાંદ દેખાતા જ સમગ્ર વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઈ જતો હોય છે આખો મહિનો રોજા રાખ્યા બાદ ઈદનો ચાંદ દેખાતા સવારના ઈદ મનાવાતી હોય છે ઈદ એટલે ખુશીનો તહેવાર શાંતિ ભાઈચારાનો સંદેશ લઈને આવતા ઈદના તહેવાર નિમિત્તે એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પેશ કરાતી હોય છે.
આજરોજ જંબુસર પંથકમાં રમજાન ઈદ પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી દરેક મસ્જિદો,ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરવામાં આવી હતી.જંબુસર શહેર અને તાલુકામાં અમન, શાંતિ, ભાઈચારો બની રહે,સૌ નીરોગી રહે પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી હતી અને એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી.તથા ધાર્મિક વડાઓ મૌલવીઓ દ્વારા ખાસ તકરીર દ્વારા તમામ સમાજ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી.
આ સહિત જંબુસર મગણાદી ભાગોળ ટોપેક્સ ટેલર્સ પાસે રઝાએ મુસ્તફા યંગ કમિટી દ્વારા ઈદ મિલન સમારંભનું આયોજન પ્રમુખ આરીફ મલેક સહિત કમિટીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી,શહેર પ્રમુખ ચંદ્રકાંત પટેલ,જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસભાઈ મકવાણા,ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, બીજેપી તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ,મહામંત્રી બળવંતસિંહ પઢિયાર,વિરેનભાઈ શાહ,નગરપાલીકા સદસ્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કમિટી મેમ્બરો દ્વારા એકબીજાને ગળે મળી મોં મીઠું કરાવી એકબીજાને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી કોમી એકતા અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે અનીશભાઈ વકીલ,શાકીરભાઈ મલેક, ઈમ્તિયાઝ હુસેન સૈયદ,અનવર બાપુ સહિત ગામ અગ્રણીઓ હાજર રહયા હતા.ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.