ભરૂચ,
ઉનાળાની અંગદઝાડતી ગરમીમાં જંબુસર તાલુકાના ઉબેર ગામના ભોટુપરાના ૧૦૦ થી વધારે લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.પાણીની નવી લાઈનમાં જોડાણ આપવાની કામગીરી ખોરંભે પડી જતાં આ વિસ્તારમાં પાણીની અછત વર્તાઈ રહી છે અને તેના કારણે સ્થાનિકો હેન્ડ પંપ માંથી આવતા ગંદા પાણી પર નિર્ભર છે.
ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકાના ઉબેર ગામના ભોટુ પરામાં પાણી પુરવઠા યોજના દ્વારા જૂની પાઈપ લાઈન બદલી નવી પાઈપ લાઈનમાં પાણીનું કનેક્શન આપવામાં નહિ આવતાં ૧૦૦ થી વધુ ગ્રામજનો તેમજ તેમના પશુઓ પાણી વિના ટળવળી રહ્યા છે. જંબુસરથી આશરે ૫ કિલોમીટર દૂર ઉબેર ગામના ભોટુ પરામાં ભરઉનાળે પાણીના વલખા જોવા મળી રહયાં છે.વર્ષો જૂની પાણીની પાઈપ લાઈન ઉમરાથી બે કિલોમીટર ભોટુપરા ખાતે બદલીને નવી નાખવામાં આવી પરંતુ નવી નાખેલી પાઈપ લાઈનમાં ૨૫ દિવસથી વધુ સમય થવા છતાં જોડાણ આપવામાં આવ્યું નથી.તંત્રની આળસનું પરિણામ આ વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે.હાલ ગામના તળાવ પાસે આવેલાં એક હેન્ડપંપ પરથી લોકો પાણી મેળવી રહયાં છે પણ તે દુર્ગંધ મારતું આવે છે અને તેનાથી લોકોના સ્વાસ્થયને નુકસાન થવાની ભિતી છે.પીવાના પાણી માટે સ્થાનિકો ૩ કિમી દૂર આવેલાં ઉબેર ગામનો ફેરાવો ફરી રહ્યા છે.મહિલાઓએ અગાઉ પાણી પુરવઠા ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી પાણી ન આપતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.જંબુસર તાલુકામાં પાણીની સમસ્યા જંબુસર તાલુકામાં સિંચાઈના પાણીની સાથે પીવાના પાણીના પણ વલખા જોવા મળી રહ્યા છે. કેનાલોના રીપેરીંગમાં લાલીયાવાડીના કારણે અનેક ખેતરો સુધી સિંચાઈના પાણી પહોંચતા નથી. ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ચૂકી છે તેવામાં હવે પીવાના પાણીની સમસ્યા ગામો માંથી ઉઠવા લાગી છે.