(સંજય પટેલ.જંબુસર) જંબુસર તાલુકામાં નર્મદા નિગમ દ્વારા નહેરો બનાવવામાં આવી છે.જેનાથી ધરતીપુત્રોને સમયસર નહેરના પાણી મળી રહે તો ખેડૂતો મહામૂલી ખેતીમાં વધુ ઉત્પાદન કરી શકે,પરંતુ નર્મદા નહેરના તકલાદી બાંધકામને લઈ વખતો વખત નહેરો તૂટવાના,લીકેજ થવાના,પાણી સમયસર નહીં પહોંચવાના બનાવો બનતા હોય છે.જેને લઈ ધરતીપુત્રો ને સોસવાનો વારો આવે છે.હાલમાં જ ઉમરા તેલ માઈનોલ કેનાલ જ્યાં વેડચથી ઉબેર,નોંધાણા,નોબારના ધરતીપુત્રોને નર્મદા કેનાલના પાણીનો લાભ મળે છે.પરંતુ ચોમાસુ બાદ ઉબેરના ખેડૂતો એ બિયારણ, ખાતર નાખી વાવણી કરેલ છે.ધરતીપુત્રોને નહેરના પાણીની આશા હતી કે ઠગારી નીવડી છે. હાલમાં ઉબેર,નોંધાણા,નોબાર સીમાડાના ખેડૂતોને ઉમરા તેલ માઈનોરનું પાણી પહોંચ્યું નથી જેને લઈ શિયાળુ પાક નિષ્ફળ જવાની ભિતી ખેડૂતો સેવી રહ્યા છે.ઉબેરના ખેડૂતોએ આ બાબતે રજૂઆતો કરી હતી તેમ છતાંય યોગ્ય ઉકેલ નહીં આવતા નર્મદા નિગમ કચેરી જંબુસર ખાતે આવી પહોંચી લેખિત આપી ઉમરા તેલ કેનાલમાં પાણી વહેલી તકે છોડવામાં આવે તેવી રજૂઆત કરી હતી અને પ્રશ્નોનો હલ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે પગલાં ભરવા જણાવ્યું હતું.