(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ દલપતસિંહ વસાવા પર ગતરોજ વહેલી સવારે ફોર વ્હિલર ગાડીમાં આવેલ ત્રણ ઈસમોએ લાકડીથી હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.તો બનાવના પગલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે એક ઈસમને ઝડપી પાડયો હતો.
આ અંગે ઝઘડિયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના મુલદ ગામે રહેતા અને પેટ્રોલ પંપ ચલાવતા કોંગ્રેસ અગ્રણી ધનરાજ વસાવા ગતરોજ તા.૨૯ મીના રોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં ઘરેથી સાયકલ લઈને સાયકલિંગ કરવા નીકળ્યા હતા.તેઓ મુલદ ઓવર બ્રીજના સર્વિસ રોડ ઉપર ટોલ નાકા તરફ જઈ રહ્યા હતા.ત્યારે તે દરમ્યાન મુલદ ગામમાં જવાના કાચા રસ્તા પાસે આવતા ત્યાં ઉભેલી એક ફોર વ્હિલ ગાડીમાંથી એક ઈસમ બહાર આવ્યો હતો અને ગાળો બોલીને તેમની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.આ દરમ્યાન તેણે મોંઢા પર પહેરેલ માસ્ક નીચે ઉતરી જતા ધનરાજભાઈ તે ઈસમને ઓળખી ગયા હતા.તે ઈસમ ભરૂચ ખાતે રહેતો અમિત નરપતભાઈ વસાવા હોવાની તેમને જાણ થઇ હતી.તેના હાથમાં લાકડાનો સપાટો હતો.તેણે ધનરાજભાઈને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા.આ દરમ્યાન ફોર વ્હિલર ગાડી માંથી બીજા બે માણસો નીચે ઉતર્યા હતા.તે બન્નેએ પણ માસ્ક પહેરેલ હતા.જે પૈકી એક ઈસમ તેમની પાસે આવ્યો હતો અને બીજો રોડ નજીક ઉભો રહ્યો હતો.આ દરમ્યાન ધનરાજભાઇને બન્ને પગો પર તેમજ જમણા હાથ પર લાકડાના સપાટા વાગતા તેમને જમણા પગ પર ફેક્ચર થયું હતું તેમજ ગંભીર ઈજાઓ થઈ હતી.આ દરમ્યાન ધનરાજભાઈના પિતા દલપતસિંહ તેમજ ડ્રાઈવર સુનિલ ત્યાં આવી ગયા હતા.ઉપરાંત અન્ય લોકો પણ ઘટના સ્થળે આવી ગયા હતા.હુમલો કરનાર ઇસમો જાનથી મારી નાંખવાની ધમકી આપીને ફોર વ્હિલર ગાડીમાં બેસીને મુલદ ચોકડી તરફ જતા રહ્યા હતા.ઈજાગ્રસ્ત ધનરાજભાઈને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
ઘટના બાબતે ધનરાજ વસાવાએ અમિત નરપત વસાવા રહે.ભરૂચના તેમજ તેની સાથે આવેલ અન્ય બે અજાણ્યા ઈસમો વિરૂધ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ આ હુમલો જુની અંગત અદાવતને કારણે થયો હતો.આ સંદર્ભે ઝઘડિયા પીઆઈ વાળાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે હુમલો કરનાર ત્રણ પૈકી એક અમિત વસાવાને પોલીસે ઝડપી લઈને અન્ય બેને પકડી લેવા કાર્યવાહી હાથધરી હતી.
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉપર મુલદ નજીક ત્રણ ઈસમો દ્વારા હુમલો કરાતા એકની અટકાયત
- વહેલી સવારે સાયકલિંગ કરવા નીકળેલ ધનરાજ વસાવાને હુમલા દરમ્યાન ગંભીર ઈજા થતાં સારવાર હેઠળ : ફરાર અન્ય બે ને ઝડપી પાડવા કવાયત