google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, September 15, 2024
HomeGujaratઝઘડિયા તાલુકામાં માટી માફિયા બેફામ બન્યા-કોના બાપની દિવાળી એમ સમજીને ઠેર ઠેર...

ઝઘડિયા તાલુકામાં માટી માફિયા બેફામ બન્યા-કોના બાપની દિવાળી એમ સમજીને ઠેર ઠેર મોટાપાયે માટી ખનન

- તાલુકામાં અન્ય સ્થળોની જેમ ઝઘડિયા સુલતાનપુરા લિમોદરા વિસ્તારમાં પણ બેફામ માટી ખનનના મુદ્દે ચકચાર - ઘણીવાર સ્થાનિક અગ્રણીઓ વિરોધ કરે છે પણ છેવટે ભીનું સંકેલાઈ જતું હોવાની ચર્ચા !

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો વિપુલ ખનીજ સંપત્તિ ધરાવે છે.તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી થઈ રહેલ રેત ખનનનો મુદ્દો વારંવાર વિવાદમાં આવે છે,ઉપરાંત તાલુકામાં સંખ્યાબંધ પત્થરની લીઝો તેમજ બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલ સિલિકા પ્લાન્ટોમાં કેટલા કાયદેસર છે અને કેટલા બે નંબરમાં ધનધની રહ્યા છે તે બાબતે જવાબદાર તંત્ર દ્વારા મિડીયાને સાચી માહિતીથી વંચિત રાખવામાં આવે છે ! અન્ય ખનીજોને તો ખનીજ માફિયાઓ બેફામ બનીને ઉલેચી રહ્યા છે, પરંતું તેની સાથેસાથે તાલુકાના ઘણા વિસ્તારોમાં ગેરકાયદેસર માટી ખોદકામનો મુદ્દો પણ દિવસેદિવસે વિવાદ ફેલાવી રહ્યો છે.

મળતી વિગતો મુજબ હાલમાં ઝઘડિયા સુલતાનપુરા લિમોદરા વિસ્તારમાં ગેરકાયદેસર માટી ખોદકામ ચાલતું હોવાનું સામે આવ્યું છે.જ્યાં માટી ખોદકામ ચાલી રહ્યું છે તે સ્થળ ઝઘડિયા સુલતાનપુરા ગ્રામ પંચાયતની હદમાં હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે,જોકે આ માટી ખનનની બાબત ગેરકાયદેસર હોવાની બુમો પણ ઉઠી રહી છે.પરંતું આ બાબતે ભીનું સંકેલાઈ રહ્યું હોવાની પણ ચર્ચાઓ ઉઠી રહી છે.વધુમાં મળતી વિગતો મુજબ આ માટી ખોદકામના મુદ્દે કેટલાક સ્થાનિકોએ પણ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.પરંતું ત્યાર બાદ બધુ થાળે પડી જતું હોય એવું વાતાવરણ સર્જાતા વિવિધ સવાલો ઉઠવા પામ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વર્ષ ૧૯૨૧ દરમ્યાન ઝઘડિયાના લિમોદરા વિસ્તારમાં ખોદાણ દરમિયાન પ્રાચિન અલૌકિક જૈન સમુદાય ના આરાધ્ય દેવ ની પ્રતિમા પ્રગટ થઈ હતી એમ જાણવા મળ્યું છે.આમ ઝઘડિયા તાલુકાના ઘણા વિસ્તારો સાથે પ્રાચિન સમયની ભવ્ય આધ્યાત્મિક યાદો સંકળાયેલી છે છતાં પણ તાલુકામાં થઈ રહેલ મોટાપાયે ખનીજ ખનનની સાથેસાથે ગેરકાયદેસર માટી ખોદકામનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.હાલમાં ઝઘડિયા સુલતાનપુરા વિસ્તારમાં જ્યાં મોટાપાયે માટી ખોદકામ થઈ રહ્યું છે ત્યાં જરૂરી તપાસ કરવા ઝઘડિયા મામલતદાર કે પછી ભરૂચના ભુસ્તર વિભાગના અધિકારીઓ ગયા છે ખરા? આ પ્રશ્ન પણ તાલુકાની જનતામાં ચર્ચાઈ રહ્યો છે.તાલુકામાં મુલદ ગોવાલી નાના સાજાં ખરચી કપલસાડી ફુલવાડી વંઠેવાડ વાઘપુરા કુવરપુરા જેવા ગામોની આસપાસ તેમજ તાલુકાના વિવિધ સ્થળોએથી હજ્જારો ટન માટી ખોદીને અન્ય સ્થળોએ પુરાણ માટે લઈ જવાય છે,તેમાં મોટાપાયે રોયલ્ટીની ચોરી કરીને માટી માફિયાઓ રીતસર સરકારી તિજોરીને ચુનો લગાડી રહ્યા છે અને ભુસ્તર વિભાગનો રોટલો સેકાઈ જતો હોય તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે! ઝઘડિયા સુલતાનપુરા નજીક ચાલી રહેલ માટી ખોદકામનો મુદ્દો ગતરોજ વિવાદમાં આવ્યો હતો,પરંતું ત્યારબાદ ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હોય એમ ફરી પાછુ બધુ રાબેતા મુજબ થઇ જતા જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ પણ શંકાના દાયરામાં રીતસર આવી રહ્યા છે.ત્યારે હવે જિલ્લા લેવલેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા આ બાબતે તાકીદે સઘન તપાસ આરંભાય તોજ દુધનું દુધ અને પાણીનું પાણી સામે આવી શકે,પરંતું આ વાત પણ શક્ય બનશે ખરી?! કે પછી લોલમલોલની સ્થિતિ યથાવત રહેશે? એ બાબત પણ વિચાર માંગી લે તેમ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!