જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે ભરૂચ જીલ્લાના રાજપારડી ખાતે ભરૂચ જીલ્લાના પ્રભારી મંત્રી અને આદિજાતી વિકાસ વિભાગનાં રા.ક.મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.જ્યાં કુંવરજીભાઈ હળપતિની ગરિમામય ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.આ સંકલ્પ યાત્રા આગામી બે મહિના સુધી સમગ્ર રાજ્ય સાથે ભરૂચ જીલ્લાના ઝઘડીયાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ફરશે.જેના ભાગરૂપે આદિજાતિ વિસ્તાર ઝઘડીયા તાલુકાના સરદારપુરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોચ્યો હતો.જ્યાં ગ્રામજનોને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી અને જેનો લાભ મોટી સંખ્યામાં ગ્રામીણ લાભાર્થીઓએ લીધો હતો.ભારત સરકારની વિવિધ વિભાગોને લગતી ૧૭ જેટલી યોજનાઓની માહિતી લાભાર્થીઓને આપી લાભ મળવાપાત્ર લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.તેમજ વિવિધ યોજનાઓની માહિતી અને માર્ગદર્શન આપતા પેમફ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.