(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે માધવપરા ફાટક નજીક રેલ્વે લાઈન પર આવેલ ગરનાળુ નીચુ હોઈ તેમાંથી મોટા વાહનો પસાર થઈ શકે તેમ ન હોવાથી તેની બાજુમાં અંડરપાસ ગરનાળુ બનાવવામાં આવેલ છે.જેથી જીએમડીસી ચોકડી મુખ્ય ધોરીમાર્ગ પરથી રાજપારડી માધવપરા વિસ્તારમાં જવા આવવાવાળા વાહનો આ અંડરપાસ ગરનાળા માંથી આવજાવ કરી શકે. હાલમાં ચોમાસું ગયે મહિનાઓ વિતી ગયા છે અને શિયાળો પુરો થઈને ઉનાળાની શરૂઆત થઈ રહી છે.ત્યારે હાલમાં આ માધવપરા અંડરપાસ ગરનાળામાં પાણીનો ભારે ભરાવો જમા થયેલ હોવાથી ગરનાળું જાણે હાલ પણ ચોમાસાની અસર હેઠળ હોય એમ લાગે છે ! રાજપારડીના ગ્રામ પંચાયત સદસ્ય નિલેશભાઈ સોલંકીના જણાવ્યા મુજબ આ અંડરપાસ ગરનાળામાં પાણીનો ભારે ભરાવો થયેલ હોવાથી રાજપારડીના સ્થાનિક વાહન ચાલકો ઉપરાંત અન્ય વાહન ચાલકો ભારે હાલાકિનો સામનો કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર – રાજપીપલા વચ્ચેની આ રેલવે કોરોના સમયથી બંધ હાલતમાં છે,ત્યારે બંધ પડેલ રેલ્વે લાઈન પરના ગરનાળા હાલ કેવી સ્થિતિમાં છે તે જોવાની કાળજી કેમ નથી લેવાતી ? રાજપારડીના આ માધવપરા અંડરપાસ ગરનાળામાં હાલ પાણીની આટલી બધી જમાવટ કેવી રીતે થઈ છે અને પાણી ક્યાંથી આવી રહ્યું છે તેની જરૂરી તપાસ કરીને વાહન ચાલકોને પડતી હાલાકિ નિવારાય તેવી તાકીદની જરૂર જણાઇ રહી છે.
મળતી વિગતો મુજબ નજીકના કોતર માંથી ગરનાળામાં પાણી આવતું હોવાની સંભાવના છે,ત્યારે રેલ્વે સત્તાવાળાઓ તાકીદે આ અંડરપાસ ગરનાળામાં ભરાયેલ પાણી બહાર કાઢીને ફરીથી પાણીના ભરાય તે માટે યોગ્ય કરવા આગળ આવે તેવી માંગ લોકોમાં જણાઈ રહી છે.