(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રાજ્યના રાજ્યપાલને એક આવેદનપત્ર ઝઘડિયા મામલતદાર મારફતે પાઠવવામાં આવ્યું હતું.કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાતની ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે,ઝઘડિયા તાલુકામાં ભૂમાફિયા બેફામ બન્યા છે, નર્મદા નદી અને તેના પટ વિસ્તારમાં અવૈધ રીતે રેતી ખનન અને માટીનું ખનન કરવામાં આવે છે જેને રોકવું જરૂર છે અને યોગ્ય પગલાં લેવા પણ જરૂરી છે, દેશભરમાં શિક્ષિત યુવાનો પાસે રોજગારી નથી, ઝઘડિયા તાલુકામાં આવેલ જીઆઈડીસીમાં સ્થાનિક લોકોને ૮૦ ટકા રોજગારી આપવામાં આવતી નથી, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી નોકરી આપવી જોઈએ તેને લગતા પગલા ભરવામાં આવે, નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ હોવા છતાં ઝઘડિયા તાલુકામાં સિંચાઈનું કામ પૂર્ણ થયેલ નહીં હોવાના કારણે ઘણા વિસ્તારોમાં ખેતી માટે પાણીની અછત ઊભી થતી હોય જેના માટે પણ આયોજન કરવામાં આવે, આ ઉપરાંત રાજપારડી થી નેત્રંગ સુધીનું માર્ગ બિસ્માર હાલતમાં હોય તેને તાકીદે નવો માર્ગ બનાવવા માટે આયોજન કરવામાં આવે તેમ તેમણે જણાવ્યું હતું.વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી આ માંગણી રાજ્યપાલ સુધી પહોંચાડવામાં આવે અને જો આ અમારી માંગો પૂરી નહીં થાય તો ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.