(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આગામી તા.૯મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લામાં બંને વિધાનસભા વિસ્તાર મુજબ નાંદોદ અને દેડિયાપાડા ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા પ્રતિ વર્ષ ૯ મી ઓગષ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને રાજ્યના આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ અને તેના તાલુકાઓમાં આ દિવસ ઉજવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.તેના અનુસંધાને નર્મદા જિલ્લામાં તા. ૯ મી ઓગષ્ટ, વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૪નાં કાર્યક્રમોનું આયોજન નાંદોદ વિધાનસભા મત વિસ્તારમાં શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના કેમ્પસમાં અને દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં આદર્શ નિવાસી શાળા-દેડિયાપાડા કેમ્પસ ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે.
કાર્યક્રમના આયોજન સંદર્ભે યોજાયેલી બેઠકમાં કલેક્ટર શ્વેતા તેવતિયાએ સંબંધિત વિભાગોનેવિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણીની પૂર્વ તૈયારી કરીને આ દિવસે આદિજાતિ વિસ્તાર માંથી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થી, કલાકાર, રમતવીરો, આદિજાતિ ખેડૂતોનું સન્માન, વિવિધ યોજનાના
લાભાર્થીઓને એસેટ-પ્રમાણપત્ર વિતરણ, લોકાર્પણ, ખાતમુહૂર્ત જેવી કામગીરીની વ્યવસ્થા તેમજ પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ અંગેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સ્થાનિક પધાધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓ જનમેદની સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહભેર ઉજણી કરે તે જોવા સૌને આહવાન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) મિતેશ પટેલ,નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ,નાંદોદના પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવી,દેડિયાપાડાના પ્રાંત અધિકારી ધવલ સંગાડા,નાયબ પોલીસ અધિક્ષક પી.આર.પટેલ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૯ મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજન અંગે કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
- જિલ્લામાં “વિશ્વ આદિવાસી દિવસ-૨૦૨૪”ની ઉજવણી અંતર્ગત નાંદોદમાં શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ અને દેડિયાપાડામાં આદર્શ નિવાસી શાળા કેમ્પસ ખાતે કાર્યક્રમ યોજાશે : આગોતરા આયોજનના ભાગરૂપે કલેકટરે વિવિધ વિભાગના અધિકારીઓને રચનાત્મક સૂચનો કર્યા