ભરૂચ,
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં મતદાનની ટકાવારી વધે તેમજ નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.સરકારી કર્મચારીઓ અને અન્ય સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો મતપત્રથી મતદાન કરી શકે તે માટે ૧૨ -ડી ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે.આ ફોર્મ ભરીને સરકારી કર્મચારીઓ પોતાના મતવિસ્તારમાં જઈને મતપત્ર દ્વારા મતદાન કરી શકશે.જેના અનુસંધાને ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ.સુપ્રિયા ગાંગૂલીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.બેઠકમાં વિવિધ વિભાગના અધિકારીઓને પોતાના કર્મચારીઓ માટે ૧૨- ડી ફોર્મની વ્યવસ્થા કરીને તેઓ અચુક મતદાન કરે તે નિશ્ચિત કરવા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતુ.
ભારતીય ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ નોટીફીકેશન મુજબ વિવિધ વિભાગો અન્વયે ભરૂચ જિલ્લાના વિજળી વિભાગ,બીએસએનએલ,ઉડ્ડયન વિભાગ,ઓલ ઈન્ડિયા રેડિયો,રેલ્વે,આરોગ્ય વિભાગ ગુજરાત,ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની લાંબા અંતરની બસ સેવાઓ,ફાયર સર્વિસીસ,ટ્રાફિક પોલીસ અને એમ્બ્યુલન્સ સેવા વગેરેની આવશ્યક સેવાઓમાં જોડાયેલ અધિકારીઓ – કર્મચારીઓની સંખ્યા મુજબ પુરા પાડવામાં આવેલા ફોર્મ નં.૧૨-ડી માં પુરતી વિગતો ભરી તા.૧૩ એપ્રિલ ૨૦૨૪ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી ભરૂચ ખાતે રજૂ કરવા માટે બેઠકમાં જણાવવામાં આવ્યું છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા વિભાગોની યાદી પ્રમાણે જેઓ મતદાનના દિવસે ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય અને મતદાન કરવા ન જઈ શકતા હોય તેવા અધિકારીઓ – કર્મચારીઓએ ૧૨-ડી ફોર્મ ભરવા માટે જણાવવામાં આવ્યું છે જેથી તેઓ મતદાનથી વંચિત ન રહી જાય. ૧૨- ડી ફોર્મ ભર્યા બાદ થાય તેના ૫ દિવસમાં આ ફોર્મ વિધાનસભા મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં જમા કરાવવાનું રહેશે.ત્યાર બાદ જ મતદાર પોતાના મતવિસ્તારમાં જઈને પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.