ભરૂચ,
દિલ્હી ખાતે યોજાયેલા મિલિયોનોર ફાર્મર ઓફ ઇન્ડિયા 2023 એવોર્ડ સમારોહમાં ભરૂચના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના પ્રગતિશીલ ખેડૂત યશવંત પ્રજાપતિને ″મિલિયોનોર ફાર્મર ઓફ ઈન્ડિયા-2023″ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
સમગ્ર દેશમાંથી માત્ર 36 ખેડૂતોને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં ભરૂચ જિલ્લા માંથી એક માત્ર અંકલેશ્વરના ખેડૂત યશવંત પ્રજાપતિની એવોર્ડમાં પસંદગી કરાય હતી
અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના ખેડૂત યશવંતભાઈ પ્રજાપતિ પરંપરાગત ખેતીની સાથે ટૂંકા ગાળાની ખેતી તરફ ડગ માંડ્યા છે.તેઓ કપાસ ,શેરડી, જુવાર, કેળ સહીતના પરંપરાગત પાકોની ખેતીની સાથે પાણીની પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ બનતા તેઓએ નેટ હાઉસમાં ખેતી કરવાનો વિચાર આવ્યો.
ટૂંકા ગાળાની ખેતીની તેમને પ્રેરણા તેમને ઈઝરાયેલ દેશ તરફથી મળી હતી.ત્યાર બાદ તેઓ ગુજરાત અને મહારાષ્ટ્રમાં નેટ હાઉસમાં ખેતી કરતા ખેડૂતો સાથે મુલાકાત કરી નેટ હાઉસમાં થતી ખેતી અને માહિતી મેળવી હતી.સમયાંતરે આ દિશામાં આગળ વધવા માટે યશવંત પ્રજાપતિએ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય વડે પોતાના ખેતરમાં નેટ હાઉસ બનાવી વિદેશી ફૂલની ખેતી કરવાનો નિર્ણય લઈ તેઓએ જરબેરા ફૂલની ખેતી ની શરૂઆત કરી.જેમાં તેઓને સફળતા મળી હતી.બાદમાં તેઓએ પોતાના ખેતરમાં બીજા બે નેટ હાઉસ બનાવી તેમાં જીપ્સોફિલા અને ઑર્કિડ ફૂલની ખેતી શરુ કરતાં મુંબઈ,દિલ્હી,સુરત અને ઈન્દોરમાં આ ફૂલોનું માર્કેટ મળતા તેઓને ધારી સફળતા મળી હતી.આ ખેતીની સાથે સાથે તેમના બે ઉચ્ચ અભ્યાસી પુત્રો ,ઉચ્ચ પગારની નોકરી છોડી તેમની સાથે ખેતીમાં રસ દાખવી પિતા સાથે ખેતીમાં જોતરાયા છે.તેમની આ સફર વિશે તેઓ જણાવે છે કે, વર્ષ ૨૦૧૯માં તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે ખેતીવાડી વિભાગમાં સરદાર પટેલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો.હાલમાં દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને પુરસોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ″મિલિયોનોર ફાર્મર ઓફ ઈન્ડિયા 2023″ એવોર્ડ સમારોહ યોજાયો હતો.જેમાં દેશ માંથી માત્ર 36 જેટલા પ્રગતિશીલ ખેડૂતોની પસંદગી કરવામાં આવી હતી.જેમાં ગુજરાતમાં ભરૂચ જિલ્લા માંથી એક માત્ર અંકલેશ્વર તાલુકાના સજોદ ગામના યશવંતભાઈ પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી.તેઓને મિલિયોનોર ફાર્મર ઓફ ઈન્ડિયા 2023 એવોર્ડ એનાયત કરાતાં જિલ્લાના અન્ય ખેડૂતોમાં હર્ષની લાગણી ફેલાય ગઈ હતી.