(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક એક મોપેડ સ્કુટી સ્લીપ મારી જતા ચાલકને ગંભીર ઈજાઓ થતાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો.
ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો અનુસાર ભરૂચના દાંડિયા બજાર ખાતે રહેતા ૬૨ વર્ષીય કુવરભાન રામસ્નેહી ઠાકોર ગતરોજ તા.૬ ના રોજ સવારના સાડા છ વાગ્યાના અરસામાં ઘરેથી સ્કુટી લઈને ગુમાનદેવ મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાર બાદ ત્યાંથી પાછા ફરતા હતા ત્યારે ગોવાલી અને મુલદ ગામો વચ્ચે તેમની સ્કુટી સ્લીપ મારી ગઈ હતી. અચાનક સ્કુટી સ્લીપ મારી જતા તેઓ રોડ પર પડી ગયા હતા.આ અકસ્માતમાં તેઓને જમણા હાથમાં ફેક્ચર થયું હતું.ઉપરાંત માથાના ભાગે પણ વાગેલ હોવાથી તેઓ બેભાન જેવા થઈ ગયા હતા.ઈજાગ્રસ્ત કુવરભાન ઠાકોરને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.ત્યાર બાદ વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમા લઈ જવાયા હતા.આ ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત કુવરભાન ઠાકોરની ફરિયાદ મુજબ ઝઘડિયા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામિણ માર્ગો પર છાસવારે નાનામોટા અકસ્માતો સર્જાય છે.ભુતકાળમાં ઘણા અકસ્માતો જીવલેણ પણ બન્યા હતા.