ભરૂચ,
ગુજરાતના શિક્ષકો જૂની પેન્શન યોજના સહિતની પડતર માગણીઓ સંદર્ભમાં આંદોલન ચલાવી રહ્યા છે.પણ સરકાર ટસની મસ થઈ રહી નથી.ત્યારે સુરતમાં ૯મીએ યોજાનારી પદયાત્રામાં ભરૂચ જીલ્લા માંથી ૨૦૦ જેટલા શિક્ષકો ભાગ લેવા માટે જશે.આ સંદર્ભમાં ભરૂચ શૈક્ષિક સંઘની ગતરોજ કારોબારી કોર સમિતિની બેઠક મળી હતી.જેમાં વિશેષ રણનીતિ ઘડી વધુ કર્મચારીઓ કાર્યક્રમમાં હાજર રહે તેવો અનુરોધ કર્યો છે.૯મી ડિસેમ્બર શનિવારના રોજ સમગ્ર ગુજરાત ભરમાં ઝોન પ્રમાણે ૧૧ મુખ્ય મથકો પર જૂની પેન્શન યોજના લાગું કરવાના સંકલ્પ સાથે તથા અન્ય પડતર પ્રશ્નોને લઇને પદયાત્રા કરશે.જેમાં ભરૂચ જીલ્લાના ૨૦૦ થી વધુ શિક્ષકો પણ જોડાશે.
સંઘના ભરૂચ જીલ્લાના અધ્યક્ષ પુષ્પરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અમારી જૂની પેન્શન યોજના સહિતના અનેક પ્રશ્નો પડતર છે.સમગ્ર ગુજરાતમાં ઝોન પ્રમાણે ૧૧ મુખ્ય મથકો પર જૂની પેન્શન યોજના લાગુ કરવા પદયાત્રાઓ યોજી સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે.