ચાસવડ,
હાલોલ ખાતે આવેલી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય અને બાયફ ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન વચ્ચે રાજભવન,ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિમાં સમજૂતી કરાર (એમઓયુ) કરવામાં આવ્યા હતા.
આ એમઓયુ થતાં બાયફ ડેવલપમેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન, પ્રાકૃતિક કૃષિનો ઝડપથી વિકાસ થશે જેનો લાભ ગુજરાતની તમામ બાયફ સંસ્થાઓને થનાર છે.આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ચાસવડના વડા અને વરિષ્ટ વૈજ્ઞાનિક મહેન્દ્ર પટેલ અને લલિત પાટીલ અને બાયફનાં જયંતિ મોરી,પ્રમોદ ટકાવલે પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન બાયફનાં પ્રમુખ અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. ભરત કાકડે અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલયના વાઈસ ચાન્સેલર ડો.સી.કે.ટિંબડિયા દ્વારા કરાર પર હસ્તાક્ષર કરાયા હતા. એમઓયુ કરાતા અરસપરસ વિશેષતાઓનો લાભ એકબીજાને ઉપલબ્ધ રહે અને ઝડપથી ગુજરાત સ્વસ્થ રહે, સમૃદ્ધ બને અને ભારત નિર્માણનો લાભ માનવતા માટે ઉપયોગી રહેશે. આ એમઓયુ દ્વારા સત્તાવાર સહયોગી ભાગીદારી નિશ્ચિત થઈ છે. જેનાથી ગુજરાત રાજ્ય તથા દેશમાં પ્રાકૃતિક કૃષિનો ઝડપથી વિકાસ થશે જે વિકસિત ભારત માટે ખૂબ જ અસરકારક રહેશે. પર્યાવરણમાં રસ ધરાવતા સર્વેને ખૂબજ પ્રોત્સાહન મળશે.જે આગામી સમયમાં તંદુરસ્ત માનવ સમાજનું ઘડતર કરવામાં મોટુ પરિબળ બની રહેશે. આ કરારથી બાયફ સંસ્થા ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે.