(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ અબોલ પશુઓની સેવાર્થે નર્મદા જિલ્લા પંચાયત ખાતેથી વેટરનરી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જણાવ્યું કે, પશુ સારવાર માટે સરકાર દ્વારા ઉત્તમ સેવા મળી રહી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર માત્ર માનવની જ નહીં,પરંતુ મૂંગા પશુઓના સ્વાસ્થ્યની કાળજીની ચિંતા કરે છે.
નર્મદા જિલ્લાના પશુપાલકોને વધુ દૂધ ઉત્પાદન મળે, પ્રગતિ કરે તે માટે કેન્દ્ર સરકાર આયોજનબદ્ધ કામગીરી કરી રહી છે.વધુમાં પશુપાલકોને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા સાંસદે ખાસ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, આ એમ્બ્યુલન્સ સાગબારા તાલુકાના 14 ગામના 9 હજારથી વધુ પશુઓને નિઃશુલ્ક સારવાર આપશે.દૂધ ઉત્પાદનમાં વધારો થાય તેમજ પશુપાલકો આર્થિક પગભર બને તેવા આશય સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારે કામગીરી કરીને પશુઓની કાળજીનું ખાસ ધ્યાન રાખ્યું છે.
આ વેટરનરી એમ્બ્યુલન્સ સાગબારાના ચોપડવાવ,દુધલીવેર,ગોડદા,નાની-મોટી મોગરી,નાના કાકડીઆંબા,કોડબા,અમિયાર,પાડા,રણબુડા,મોટા ડોરાઆંબા,નાના ડોરઆંબા,કુંવર ખાડી સહિત ગોડદા ગામોમાં પશુઓને નિઃશુલ્ક સારવાર આપશે.