યુકેના હેરોમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ યુકે દ્વારા દિવાળી ઉત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી હતી.આ પ્રસંગે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ યુકે દ્વારા નરેશ પટેલનું ભવ્ય સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
ગત તારીખ 19 નવેમ્બર ને રવિવારના રોજ યુકેના હેરોમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા દિવાળી ઉત્સવના કાર્યક્રમનું શાનદાર આયોજન કરાયું હતું. જેમાં યુકેમાં વસતા મૂળ સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં બિઝનેસ મીટઅપ,દિવાળી સેલિબ્રેશન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ડીજેના તાલે રાસ-ગરબા, રમતગમત, ડાન્સ, ફાઈનલ મેચનું લાઈવ પ્રસારણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા હતા.ત્યારે નરેશ પટેલ અને શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશ કુંભાણી,ઉપપ્રમુખ તુષાર લુણાગરીયા અને માનદમંત્રી જીતુ વસોયાએ હાજરી આપી હતી.
નરેશ પટેલે યુકેમાં વસતા લેઉવા પટેલ સમાજના પરિવારજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને સંગઠનને બિરદાવી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. સાથે જ આગામી 21 જાન્યુઆરી, 2024ના રોજ શ્રી ખોડલધામ મંદિરના પાટોત્સવ પ્રસંગે યોજાનાર કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં હાજરી આપવા યુકેમાં વસતા સૌ પરિવારજનોને નરેશ પટેલે આમંત્રણ પાઠવ્યું હતું.
આ કાર્યક્રમમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વર્ચ્યુલી જોડાયા હતા.આ ઉપરાંત હેરો ઈસ્ટના સાંસદ બોબ બ્લેકમેન,બ્રેન્ટ એન્ડ હેરોના MLA ક્રુપેશ હિરાણી,London Borough Of Harrowના મેયર રામજી ચૌહાણ, કેન્ટોન વેસ્ટના કાઉન્સિલર કાંતિ રાબડિયા,બેલમોન્ટના કાઉન્સિલર અંજના પટેલ સહિતના મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
યુકેના હેરોમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ આયોજિત દિવાળી ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા નરેશ પટેલ
- સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ યુકે દ્વારા નરેશ પટેલ અને શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનું સન્માન