google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, December 8, 2024
HomeGujaratનર્મદા જીલ્લામાં ધો ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૨૩ કેન્દ્રો ખાતે...

નર્મદા જીલ્લામાં ધો ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૨૩ કેન્દ્રો ખાતે ૫૪૦ બ્લોકમાં ૧૫,૩૧૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

- જીલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં ધો.૧૦-૧૨ની પરીક્ષા સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ - ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આગામી તા.૧૧થી ૨૬મી માર્ચ ૨૦૨૪ સુધી યોજાશે

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)    

આગામી તા. ૧૧મી માર્ચથી રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ- ૧૦ (SSC) અને ૧૨ (HSC) સામાન્‍ય– વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ નર્મદા જીલ્લામાં સંપૂર્ણ સુચારૂ રીતે યોજાય અને વિદ્યાર્થીઓ નિર્ભયપણે મુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષામાં ભાગ લે અને આ પરીક્ષાઓ શાંતિમય તણાવમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તેવા ઉમદા હેતુસર જીલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં પરીક્ષાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી.જેમાં નર્મદા જીલ્લા સ્થાયી પરીક્ષા સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.  

બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમ્યાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તેમજ રાજપીપલા શહેર ઉપરાંત જીલ્લાના તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને વિદ્યાર્થીઓને લેવા જતી બસ કોઇપણ કારણોસર બંધ પડે તો તાત્કાલિક અન્ય બસોની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવાની સાથે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ-સુરક્ષાપ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને CCTVનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવાની પણ જીલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનાઓ અપાઈ હતી.

બેઠક દરમ્યાન જીલ્લા શિક્ષણાધિકારી ડૉ.કિરણબેન પટેલે બોર્ડ પરીક્ષા સંદર્ભે થયેલી તૈયારીઓની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં જીલ્લામાં ધોરણ ૧૦ માં જીલ્લાના ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૯,૧૪૩ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તેના માટે ૩૦ પરીક્ષા બિલ્ડીંગોમાં ૩૨૨ બ્લોક નક્કી કરાયા છે.જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૫ પરીક્ષા  કેન્દ્રો ખાતે ૪૮૯૯ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં બેસશે, જે માટે ૧૩ બિલ્ડીંગમાં ૧૫૨ બ્લોક નક્કી કરાયા છે.તેવી જ રીતે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જીલ્લામાં બે પૈકી રાજપીપલામાં એમ.આર.વિદ્યાલય,સરકારી હાઈસ્કૂલ રાજપીપલા અને શ્રીમતી સુરજબા મહિડા કન્યા વિનય મંદિર ખાતે કેન્દ્રો છે.જ્યારે દેડીયાપાડામાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ નિવાલ્દા ખાતે ૨૩ બ્લોક મળી કુલ ૬૬ બ્લોકમાં ૧૨૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્‍લોકમાં CCTV કેમેરા લગાડવામાં આવેલા છે.જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈપણ વ્‍યકિત કેમેરામાં નજર કેદ થશે અને કેમેરાના ફુટેજના આધારે આવી વ્‍યકિતઓ સામે નિયમાનુસાર શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે.પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીઓને આરોગ્યલક્ષી કોઈ જરૂરિયાત જણાય તો પ્રાથમિક સારવાર માટેની જરૂરી તમામ દવાઓનો પૂરતો જથ્‍થો પણ પરીક્ષા કેન્દ્રો ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ઉપલબ્‍ધ કરાવાશે.

જિલ્લા શિક્ષણાધિકારી ડૉ.કિરણબેન પટેલે નર્મદા જિલ્લાના નાગરિકોને જાહેર અપીલ કરતા જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા લેવાનારી આ પરીક્ષાઓ દરમિયાન કોઈપણ વિદ્યાર્થી પોતાના ગામથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે રસ્તામાં વાહનની રાહ જોતા નજરે પડે તો ત્યાંથી પોતાનું વાહન લઈ પસાર થતા નાગરિકોએ આવા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચવામાં માનવતાના ધોરણે મદદરૂપ થવું.જેથી વિદ્યાર્થી સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી સરળતાથી પહોંચી શકે અને તણાવમુક્ત પરીક્ષા આપી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!