(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
એકતાનગર ખાતે બનેલા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે નર્મદા જિલ્લામાં વધેલા પ્રવાસીઓના ધસારાથી સ્થાનિક આદિવાસીઓ માટે આર્થિક ઉન્નતિના દ્વાર ખુલ્યા છે.ખાસ કરીને કુદરતી રીતે જ પાકેલા શાકભાજી અને ફળફળાદીની પ્રવાસીઓમાં વિશેષ માગ રહે છે.નાંદોદના આમલી ખાતે ઊભી થયેલી નાની એવી શાક બજાર આ બાબતનું જીવંત ઉદાહરણ છે.પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજી-ફળફળાદીનું વેચાણ કરતા આદિવાસીઓના થડે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના પ્રવાસીઓ પહોંચીને આ પ્રાકૃતિક ખેત પેદાશોની હોંશેહોંશે ખરીદી કરે છે. આ ખેત ઉત્પાદનો આરોગવામાં સ્વાદિષ્ટ હોવાથી પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય છે.
નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપલાથી અંદાજિત ૨૦ કિલોમીટરના અંતરે આવેલ નાંદોદ તાલુકાના આમલી ગામના ગ્રામજનો મોરબાઈ માતાના પવિત્ર તીર્થસ્થળની આસપાસ તથા મોરબાઈ માતાના ડુંગર ખાતે પ્રાકૃતિક ખેતીમાંથી ઉત્પાદિત શાકભાજીઓનું વેચાણ કરીને સ્વનિર્ભર જીવન જીવી રહ્યાં છે.નર્મદા વન વિભાગ રાજપીપલા દ્વારા ફાળવેલી જમીન પર વનદેવી મહિલા સ્વસહાય જૂથ આમલી દ્વારા શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે વિશ્વની સૌથી વિરાટ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને નિહાળવા માટે વિશ્વભરમાંથી પર્યટકો નર્મદા જિલ્લામાં આવે છે. ત્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા પડોસી રાજ્યો માંથી નર્મદા જિલ્લાના પ્રવાસે આવનાર પર્યટકો મોરબાઈ ડુંગરથી જ થઈને જ પોતાના પ્રવાસની શરૂઆત કરે છે.મુંબઈ સહિત સુરત, વલસાડ જેવા મોટા શહેરો સહિત દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ પણ મોટા પ્રમાણમાં અહીંથી વેચાણ અર્થે શાકભાજી લઈ જાય છે.
આમલી ગામના ખેડૂત દશરથભાઈ વસાવા કૃષિ સાથે સંકળાયેલા છે.માધ્યમો સાથેના સંવાદમાં તેઓ જણાવે છે કે આમલી ગામમાં મોટા ભાગે પ્રાકૃતિક ખેતી થાય છે.પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત શાકભાજીના સ્વાદમાં મિઠાશ હોય છે અને અહીંથી પસાર થતા પ્રવાસીઓ, અધિકારીઓ અહીંથી મોટા પ્રમાણમાં શાકભાજી લઈ જાય છે.શાકભાજીના વેચાણથી દૈનિક રૂ. ૨ થી ૫ હજાર જેટલાની શાકભાજીનું વેચાણ થઈ જાય છે. જેથી અમારી આજીવિકા અને જીવનશૈલીમાં સુધારો થયો છે. આગાખાન અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત અમને પ્રાકૃતિક ખેતી સહિત જીવમૃત, ઘનામૃત અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આજે અમે તુવર, પાપડી, રિંગણ, વાવપાપડી સહિતની શાકભાજીનો સારો પાક લેતા થયા છે.
આમલી ગામના ખેડૂત શામળભાઈ વસાવા પણ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે અને છેલ્લા 30 વર્ષથી મોરબાઈ ડુંગર પાસે પ્રાકૃતિક કૃષિ આધારિત ઉત્પાદિત શાકભાજીનું વેચાણ કરીને સારી આવક પ્રાપ્ત કરી રહ્યાં છે.વસાવા જણાવે છે કે, પડોસી રાજ્યોના પ્રવાસીઓ,સુરત અને વલસાડ સહિતના જિલ્લાના લોકો, પ્રવાસીઓ, અધિકારી-કર્મચારીઓ અહીંથી શાકભાજી લઈ જાય છે. સુરતથી વેપારીઓની શાકભાજી માટેની માગ વધી રહી છે.વધુમાં શામળભાઈએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે આત્મા પ્રોજેક્ટ હેઠળ તાલીમ લઈને પ્રાકૃતિક ખેતીના મહત્વને સમજ્યા છે. સરકારશ્રીના પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક રૂ.૬ હજારની સહાયનો પણ લાભ મેળવીએ છીએ.
મહારાષ્ટ્રના નંદુરબારના પ્રવાસી શેખરભાઈ પાટીલ પવિત્ર નીલકંઠ ધામ,પોઈચાના પ્રવાસે આવ્યા હતા. તેઓ જણાવે છે કે,અમે હંમેશા આ રૂટથી જ આવતા હોઈએ છીએ અને વર્ષોથી અહીં આદિવાસી સમુદાય પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદિત શાકભાજીનું વેચાણ કરે છે. સ્વાસ્થ્ય વર્ધક અને બજાર કરતા સસ્તી શાકભાજી અમે અહીંથી આવતી-જતી વખતે હંમેશા લઈ જઈએ છીએ. વધુમાં શ્રી પાટીલે આમલી ગામના આદિવાસી સમુદાયના મુખ્ય સ્ત્રોત સમાન આ વ્યવસાયથી સારી આવક પ્રાપ્ત કરે તે માટે અહીંથી આવતા-જતા પ્રવાસીઓએ અહીં રોકાઈને શાકભાજી લઈ જવા અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આમલી ગામના આદિવાસી સમુદાય પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત શાકભાજીનું વેચાણ કરીને સારી આજીવિકા મેળવી રહ્યાં છે. સાથોસાથે પર્યટકો,અધિકારીઓ,વેપારીઓ પણ અહીંથી શાકભાજી ખરીદી રહ્યા છે.