ભરૂચ,
ભરૂચ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલાં ભરૂચમાં નવનિર્મિત ભોલાવ ડેપોનું ગુરૂવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવનાર છે.આ ઉપરાંત જીલ્લામાં વિકાસના અનેક કામોના ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરવામાં આવનાર છે.ભોલાવ ડેપોની સામે આવેલાં દૂધધારા ડેરીના મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ભોલાવ ડેપો પર રોજની ૯૦૦ કરતાં વધારે એસટી બસોની અવરજવર રહેશે જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે અને તેમને નર્મદા ચોકડી કે ઝાડેશ્વર ચોકડી સુધીનો ધકકો ઓછો થઈ જશે.નવનિર્મિત ભોલાવ ડેપો ૪૫ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે.ભોલાવ ડેપોના લોકાર્પણ બાદ શહેરમાં બે એસટી ડેપો કાર્યરત થશે.તે સાથે જ ભરૂચ જીલ્લામાં રોડ- રસ્તા,આરોગ્ય સેન્ટરઓ સહિતના વિવિધ વિકાસલક્ષી ૨૦૦ કરોડથી વધુના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુરુવારે થવા જઈ રહ્યું છે.જેના ભાગરૂપે બુધવારના રોજ ભરૂચ કલેકટર તુષાર સુમેરા,ભરૂચ એસ.પી મયુર ચાવડા,સુરક્ષાકર્મીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની સુરક્ષા સહિતની કામગીરીનું નિરક્ષણ કર્યું હતું.